મુંબઈ: પોલીસ ઇચ્છે તો ડ્રગ્સ વેચનારાઓને પકડી શકે

12 September, 2020 11:46 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: પોલીસ ઇચ્છે તો ડ્રગ્સ વેચનારાઓને પકડી શકે

મીરા રોડના સિલ્વર પાર્કમાં મોબાઇલની એક દુકાન તોડવાનો પ્રયાસ કરી રહેલા બે યુવાનો.

ઍક્ટ્રેસ કંગના રનોટ અને સુશાંતસિંહ રાજપૂતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ જાહેરમાં કહ્યું છે કે બૉલીવુડમાં મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનું સેવન થાય છે. બૉલીવુડ સાથે સંકળાયેલા લોકો પાસે રૂપિયા હોય છે એટલે તેઓ ડ્રગ્સ ખરીદી શકે છે, પરંતુ સાધારણ પરિવારના ડ્રગ્સને રવાડે ચડેલા યુવાનો નશીલા પદાર્થ ખરીદવા માટે ચોરી કરવાથી માંડીને મહિલાઓની સોનાની ચેઇન કે મંગલસૂત્ર આંચકતા હોવાનું જાણવા મળ્યું છે. મીરા-ભાઈંદરમાં લૉકડાઉન છે એટલે ચેઇન આંચકવાના બનાવ ઘટી ગયા છે, પરંતુ બંધ દુકાનોમાં ચોરી થવાની ઘટના વધી ગઈ છે. પોલીસ-તપાસમાં આ ચોરી યુવાનો ડ્રગ્સ ખરીદવા માટે કરતા હોવાનું જણાયું છે. ડ્રગ્સનું સેવન કરનારાઓ તો પકડાય છે, પરંતુ તેમને નશીલા પદાર્થ સપ્લાય કરનારાઓ મોટા ભાગે હાથ નથી લાગતા.

મીરા રોડના સિલ્વર પાર્ક વિસ્તારમાં આવેલી એક મોબાઇલની બંધ દુકાનમાં વહેલી સવારે વીસેક વર્ષના બે યુવકો શટર ખોલીને ચોરીનો પ્રયાસ કરતા હોવાનો સીસીટીવી કૅમેરાનો વિડિયો બે દિવસ પહેલાં વાઇરલ થયો હતો. પોલીસમાં હજી સુધી એ બાબતની ફરિયાદ નથી નોંધાઈ, પણ છેલ્લા કેટલાક મહિનામાં આ રીતે દુકાનોમાંથી આવા યુવાનોએ જ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લાં બેથી ત્રણ વર્ષમાં યુવાનો ચોરી કરતા હોવાની ઘટનામાં વધારો થયો હોવાનું પોલીસમાં નોંધાયેલા કેસ પરથી જણાય છે. ખાસ કરીને મીરા રોડના નયાનગર, મીરા રોડ અને ભાઈંદર પોલીસ સ્ટેશનની હદમાં આવી ઘટના બની રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મોટા પાયે યુવાનો ડ્રગ્સનું સેવન કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવતાં મીરા રોડના સ્થાનિક નગરસેવક ઝુબેર ઈનામદાર, નૅશનલ પીસ ફોરમ અને પોલીસ દ્વારા યુવાનોને ડ્રગ્સના નશામાંથી બહાર કાઢવાની ઝૂંબેશ ગયા વર્ષે ચલાવાઈ હતી, જેમાં થોડા અંશે સફળતા મળી હતી. જોકે ડ્રગ્સના સપ્લાયરો સામે થવી જોઈએ એવી કાર્યવાહી પોલીસ દ્વારા ન થતી હોવાની સાથે રાજકીય પક્ષો આવા લોકોને શરણ આપતા હોવાથી તેઓ બેફામ બની ગયા હોવાનો આરોપ લોકો કરી રહ્યા છે.

નયાનગરના કૉન્ગ્રેસના નગરસેવક ઝુબેર ઈનામદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડ્રગ્સ-સપ્લાયરો પોતાનો માલ વેચવા માટે યુવાનોને નશાને રવાડે ચડાવે છે. સ્વાભાવિક છે કે કોઈ મા-બાપ ડ્રગ્સ ખરીદવા માટે યુવાનોને રૂપિયા ન આપે એટલે તેઓ ચોરી કરવા માંડે છે. ચોરીના કેસમાં થોડા સમય બાદ તેઓ છૂટી જાય છે અને ફરીથી ગુના કરીને તેઓ રીઢા ગુનેગાર બની જાય છે. પોલીસ ધારે તો ડ્રગ્સ-સપ્લાયરોને પકડી શકે છે, પણ તેઓ નામ પૂરતી કાર્યવાહી જ કરે છે.’

નૅશનલ પીસ ફોરમના મીરા રોડમાં રહેતા કમલ મીનાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ડ્રગ્સ સામેની ઝુંબેશ ચલાવીએ છીએ, પરંતુ સમાજમાં આ બાબતની જાગૃતિનો અભાવ અને પોલીસ પ્રશાસન દ્વારા પૂરતો સહયોગ ન મળતો હોવાથી એમાં સફળતા નથી મળતી. કેટલાક રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ માટે નશીલા પદાર્થ વેચનારાં અસામાજિક તત્ત્વોને સંરક્ષણ આપે છે અને પોલીસ વિભાગમાં આવા ગુનેગારો સામે નાની-મોટી કાર્યવાહી જ થાય છે. યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવીને તેમને બેકાર કરી દેવાનું કદાચ દેશભરમાં મોટું ષડ્‌યંત્ર ચાલી રહ્યું છે.’

મીરા રોડમાં રેલવે-સ્ટેશન પાસેના સ્મશાન રોડ અને પૂનમ સાગર કૉમ્પ્લેક્સમાં સાંજે ડ્રગ્સનું સેવન કરતા યુવાનો એકત્રિત થતા હોવાનું જાણવા મળ્યું હતું. તેમને કોઈ ત્યાંથી ચાલ્યા જવાનું કહે તો તેઓ દાદાગીરી કરતા હોવાનું પણ લોકો કહે છે.

થાણે ગ્રામીણ પોલીસના ભાઈંદર વિભાગના એસડીપીઓ ડૉ. શશિકાંત ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોરી અને મહિલાઓની ચેઇન ખેંચનારાઓ ડ્રગ્સ ખરીદવા માટે ગુનો કરતા હોવાની મને જાણ નથી. આ વિશે માહિતી મેળવીને તમને જાણ કરીશ.’

મીરા રોડ વિભાગના એસડીપીઓ શાંતારામ વળવી બીમાર હોવાથી તેઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેમની આ બાબતે પ્રતિક્રિયા જાણી નહોતી શકાઈ.

જોકે એક પોલીસ અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા રોડનાં બે પોલીસ-સ્ટેશન અને ભાઈંદર પોલીસ-સ્ટેશનની હદમાં છેલ્લા કેટલાક સમયમાં થયેલી ચોરી યુવાનોએ કરી હોવાનું જણાયું છે. તપાસમાં ડ્રગ્સ ખરીદવા તેમણે ગુનો કર્યો હોવાનું કબૂલ્યું પણ છે.’

mumbai mumbai news mira road bhayander Crime News mumbai crime news mumbai crime branch mumbai police