મુંબઈ : સત્તાના રાજકારણમાં અટવાઈ ગયો મીરા-ભાઇંદરનો વિકાસ

04 March, 2021 09:07 AM IST  |  Mumbai | Mid-day Correspondent

મુંબઈ : સત્તાના રાજકારણમાં અટવાઈ ગયો મીરા-ભાઇંદરનો વિકાસ

મીરા-ભાયંદર મહાનગરપાલિકા

મીરા-ભાઈંદર મહાનગરપાલિકા ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨માં અસ્તિત્વમાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ૧૯ વર્ષમાં અહીં ૧૮ કમિશનરની બદલી થઈ છે. અહીં સત્તા કોઈ પણ પક્ષની હોય, કમિશનર છ મહિનાથી વધારે ટકતા નથી. એને લીધે અહીંનાં વિકાસ સહિતનાં કામ અટકી જાય છે અને એનું પરિણામ લોકોએ ભોગવવું પડે છે. એક વર્ષથી કોવિડની ગંભીર સ્થિતિ હોવા છતાં અહીં બે કમિશનરને બદલવામાં આવ્યા છે. ગઈ કાલે અહીંના કમિશનર ડૉ. વિજય રાઠોડના સ્થાને અસિસ્ટન્ટ કમિશનર દિલીપ ઢોલેની નિયુક્તિ કરાઈ હતી. દિલીપ ઢોલે થાણે શિવસેનાના કદાવર નેતાના આશીર્વાદથી કમિશનરપદે નિયુક્ત કરાયા હોવાનું કહેવાય છે.

મીરા-ભાઈંદરમાં પણ કોવિડની ગંભીર અસર થઈ છે. આ મહામારીનો સામનો કરવા માટે સત્તાધારી બીજેપી અને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે ત્યારે અહીં ખૂબ જ પારદર્શી રીતે કામ કરી રહેલા કમિશનર ચંદ્રકાંત ડાંગેની ગયા વર્ષે ૨૫ જૂને અચાનક બદલી કરાઈ હતી. ગંભીર સ્થિતિ વચ્ચે અચાનક બદલી થવાથી લોકોની સાથે પ્રશાસન ચોંકી ઊઠ્યું હતું. ચંદ્રકાંત ડાંગેના સ્થાને ડૉ. વિજય રાઠોડની ૨૬ જૂન ૨૦૨૦ના રોજ નિયુક્તિ કરાઈ હતી. તેઓ કોવિડની પરિસ્થિતિને સંભાળી રહ્યા હતા ત્યારે ગઈ કાલે અચાનક તેમને બદલે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અસિસ્ટન્ટ કમિશનર દિલીપ ઢોલેને કમિશનર બનાવી દેવાયા હતા. ૩૩ મહિનામાં પાંચ કમિશનર બદલવામાં આવ્યા છે.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં નિયુક્ત કરાયેલા દિલીપ ઢોલે.

મહારાષ્ટ્રની ગઈ વિધાનસભાની ચૂંટણી સાથે લડ્યા બાદ મુખ્ય પ્રધાનપદ બાબતે શિવસેના અને બીજેપીની ત્રણ દાયકા જૂની યુતિ તૂટ્યા બાદ બન્ને પક્ષ વચ્ચે ખટરાગ વધી રહ્યા છે. ૨૦૧૭માં મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં પહેલી વખત બીજેપીએ એકલા હાથે સત્તા મેળવી હતી, જ્યારે શિવસેના વિરોધ પક્ષમાં છે. વિધાનસભાની ચૂંટણી સુધી તો બધું ઠીક ચાલતું હતું, પરંતુ બાદમાં સત્તાધારી બીજેપીના કામમાં વિરોધ પક્ષો શિવસેના અને કૉન્ગ્રેસ દ્વારા રોડાં નખાઈ રહ્યાં હોવાના કેટલાક બનાવ બહાર આવ્યા હતા. તાજેતરમાં જ કોવિડની ગંભીર સ્થિતિમાં પાલિકાએ ૧૩૬ કરોડ રૂપિયાની માગણી રાજ્ય સરકાર પાસે અનેક વખત કરી હોવા છતાં અત્યાર સુધી માત્ર ૧૯ કરોડ રૂપિયા જ ફાળવાયા છે. ફન્ડ ન મળતાં પાલિકા માટે કામ કરવાનું મુશ્કેલ બની ગયું હોવાનું એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

નવનિયુક્ત કમિશનર દિલીપ ઢોલે એક સમયે થાણેના શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદેના પીએ હતા. તેઓ કટ્ટર શિવસૈનિક હોવાનું મનાય છે. આથી સત્તાધારી બીજેપીને કાબૂમાં રાખવા કે કાઉન્ટર કરવા તેમની નિયુક્તિ કરાઈ હોવાનું કહેવાય છે.

૨૦૧૮થી ૨૦૨૧માં ૫ કમિશનરની બદલી

૬ ફેબ્રુઆરી ૨૦૧૮ : ડૉ. નરેશ ગીતે
૪ મે ૨૦૧૮ : બી. જી. પવાર
૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦ : બાલાજી ખતગાંવકર
૨૬ જૂન ૨૦૨૦ : ચંદ્રકાંત ડાંગે
૩ માર્ચ ૨૦૨૧ : ડૉ. વિજય રાઠોડ

mumbai mumbai news mira road bhayander