મેટ્રોમાં પણ લોકલ ટ્રેનની જેમ પાસમાં ડિસ્કાઉન્ટ મળશે

24 March, 2023 09:01 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

મહિનામાં ૪૫ ટ્રિપ કરશે તેને ૧૫ ટકા અને ૬૦ ટ્રિપ માટે ૨૦ ટકા રાહત અપાઈ : ટૂરિસ્ટો માટે પણ એક અને ત્રણ દિવસના અનલિમિટેડ રાઉન્ડ ટ્રિપ પાસ અપાશે

લોકલ ટ્રેનની જેમ મેટ્રોમાં પણ હવે પાસ આપવામાં આવશે

મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી મેટ્રો ૨એ અને મેટ્રો ૭ના પ્રવાસીઓને રાહત આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકલ ટ્રેનની જેમ મેટ્રોમાં પણ હવે પાસ આપવામાં આવશે. ૪૫ ટ્રિપનો પાસ લેનારાને ૧૫ ટકા અને ૬૦ ટ્રિપનો પાસ ખરીદનારાઓને ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મેટ્રો વનના કાર્ડથી કાઢવામાં આવેલો આવો પાસ ૩૦ દિવસ સુધી ચાલશે. બીકેસીમાં દરરોજ લોકોની મોટી સંખ્યામાં અવરજવર થાય છે એ માટે ગુંદવલીથી બીકેસી સુધી બસની સુવિધા શરૂ કરવા બાબતે પણ પ્રયાસ હાથ ધરાયા છે. આ સિવાય મુંબઈમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે એને ધ્યાનમાં રાખીને એક અને ત્રણ દિવસના રાઉન્ડ ટ્રિપ પાસની શરૂઆત પણ કરવામાં આવી છે. એક દિવસનો આવો પાસ ૮૦ રૂપિયા અને ત્રણ દિવસનો પાસ મેળવવા માટે ૨૦૦ રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે.

ઉપરાંત મુંબઈ ૧ નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. આ વિશે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી અને મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશનના કમિશનર એસવીઆર શ્રીનિવાસે કહ્યું હતું કે ‘મુંબઈ મેટ્રોના પ્રવાસીઓને વધુ ને વધુ લાભ થાય એ માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે. મેટ્રોનો પ્રવાસ સરળ અને ઝડપી બને એ માટે મન્થ્લી પાસ સિસ્ટમની સાથે મુંબઈ ૧ નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડની સુવિધા પણ અમે શરૂ કરી છે. આ કાર્ડથી મુંબઈમાં બેસ્ટની બસો અને દેશભરની કોઈ પણ મેટ્રોમાં પ્રવાસ કરી શકાશે. લોકોનો ટિકિટ લેવામાં સમય ન વેડફાય એ માટે વધુ ને વધુ લોકોને આ કાર્ડનો ઉપયોગ કરવાનું સૂચન કરીએ છીએ. રેલવે પણ સહયોગ કરશે તો ભવિષ્યમાં આ કાર્ડથી રેલવેની ટિકિટો પણ લઈ શકાશે.’

મુંબઈ મેટ્રોના પ્રવાસીઓ આ કાર્ડ મુંબઈ મેટ્રો સ્ટેશનોના ટિકિટ કાઉન્ટર અને કસ્ટમર કૅર કાઉન્ટર પરથી મેળવી અને રીચાર્જ કરાવી શકશે. આ કાર્ડનો ઉપયોગ ટિકિટ ઉપરાંત રીટેલ સ્ટોર્સમાં પણ કરી શકાશે.

પાસ માત્ર કાર્ડથી જ મળશે
મન્થ્લી પાસ મેળવવા માટે મેટ્રોના પ્રવાસીઓએ મુંબઈ ૧ નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડનો ઉપયોગ કરવો પડશે. આ કાર્ડ ખરાબ થઈ જાય કે કામ ન કરતો હોય તો એ બદલવા માટે ૧૦૦ રૂપિયા ચાર્જ ભરવો પડશે. એ સિવાય કોઈનું કાર્ડ ખોવાઈ જાય તો રીફન્ડ નહીં મળે કે રિપ્લેસ નહીં કરી શકાય.

ગુંદવલીથી બીકેસી બસ
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ભારત ડાયમન્ડ બુર્સ સહિત કૉર્પોરેટ કંપનીઓની ઑફિસો આવેલી છે, જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે એને ધ્યાનમાં રાખીને ગુંદવલીથી બીકેસી સુધી બસની કનેક્ટીવિટી આપવાનો પ્લાન છે. આ વિશે કમિશનર શ્રીનિવાસે કહ્યું હતું કે ‘મેટ્રોના પ્રવાસીઓ માટે અમે ગુંદવલીથી બીકેસી સુધીની બસની કનેક્ટિવિટીનો પ્લાન કરી રહ્યા છીએ. આથી મેટ્રોમાં પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે લોકો સરળતાથી બીકેસી પહોંચી શકશે.’

mumbai mumbai news mumbai metro prakash bambhrolia