Mumbai Metro Aqua Lineમાં પીક અવર્સમાં જ ટેક્નિકલ સમસ્યા આવતાં ૪૦ મિનિટ અટવાઈ રહ્યા મુસાફરો- રોષ ઠાલવ્યો

22 May, 2026 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Metro Aqua Line: ઓફિસ જવા નીકળેલા સેંકડો મુંબઈગરાઓ હેરાન-પરેશાન થયા હતા. વળી, સ્ટોપ થઈ ગયેલી મેટ્રો સર્વિસ પાછી ક્યારે શરૂ થશે એનો વિચાર કરતાં કરતાં ભોંયરામાં ફસાઈ પડ્યા હતા.

ફાઇલ તસવીર

મુંબઈમાં લાઈફલાઇન એવી લોકલ ગાડીઓનું સમયપત્રક ખોરવાઇ જવું કે પછી મેટ્રોમાં ધાંધીયા થવા એ બહુ જ સામાન્ય છે. અવારનવાર આવું બનતું જ આવ્યું છે. હવે આજે શુક્રવારની સવારે મુંબઈ મેટ્રો લાઇન 3 કે જે એક્વા લાઇન (Mumbai Metro Aqua Line) તરીકે ઓળખાય છે તેની સર્વિસ પીક અવર્સ દરમિયાન જ રખડી પડી હતી. પરિણામે ઓફિસ જવા નીકળેલા સેંકડો મુંબઈગરાઓ હેરાન-પરેશાન થયા હતા. વળી, સ્ટોપ થઈ ગયેલી મેટ્રો સર્વિસ પાછી ક્યારે શરૂ થશે એનો વિચાર કરતાં કરતાં ભોંયરામાં ફસાઈ પડ્યા હતા.

મુંબઈગરાઓને હાલાકી ભોગવવી પડી

બીકેસી, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઇમથક (ટી1 એન્ડ ટી2) ચર્ચગેટ, કફ પરેડ અને આરે જેવી મહત્ત્વની જગ્યાઓને કનેક્ટ કરતા 33.5-કિમીના આ મોટા ભૂગર્ભ કોરિડોર પર વિક્ષેપ પડવાને લીધે ફરી એકવાર મુંબઈગરાઑને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે એક જ મહિનામાં બીજીવાર આવો મોટો વિક્ષેપ (Mumbai Metro Aqua Line) થયો છે. આ અગાઉ 6 મેના રોજ, ટી2 એરપોર્ટ સ્ટેશન પર આગ લાગવાને કારણે એક્વા લાઇન પર ટ્રેન સર્વિસ ખોરવાઇ ગઈ હતી. હવે આજે ફરી મુસાફરોએ સવારે 8.45 વાગ્યાની આસપાસ એક્વા લાઇનમાં થયેલા ધાંધીયા અંગે રોષ ઠાલવ્યો હતો. લગભગ 40થી 50 મિનિટ સુધી મુંબઈગરાઓએ પ્લેટફોર્મ અને અટકેલી ટ્રેનોની અંદર રાહ જોવાની ફરજ પડી હતી. આ સમગ્ર પ્રકરણ મુદ્દે ગુસ્સે ભરાયેલા મુસાફરોએ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવ્યો હતો.

ઘણા લોકોએ તો આ નવીસવી શરૂ કરવામાં આવેલી અન્ડર ગ્રાઉન્ડ મેટ્રો લાઇનની પરિચાલન સજ્જતા અને સેવાઓ ફેઇલ જતાં એની જવાબદારીના અભાવ પર સવાલ ઉઠાવ્યા હતા અને પિક અવર્સમાં જ મુસાફરોને થયેલી હાલાકી અંગે દુખ વ્યક્ત કર્યું હતું.

જોકે, મુંબઈ મેટ્રો (Mumbai Metro Aqua Line)એ જણાવ્યું હતું કે અપ અને ડાઉન બંને લાઇન પર ટ્રેન સેવાઓ ટેકનિકલ કારણોસર વિલંબિત થઈ હતી.  સવારે લગભગ 10 વાગ્યે બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું હતું કે તમામ ટેકનિકલ ઇશ્યૂને સોલ્વ કરવામાં આવ્યા છે અને સર્વિસ ફરી શરૂ થઈ ગઈ છે. જો કે, અધિકારીઓએ ટેકનિકલ ખામીનું કહીને કોઈ ચોક્કસ સ્પષ્ટતા નથી કરી પ્લસ એક કલાક સુધી મુસાફરોને કોઈ જ અપડેટ કેમ ન આપી એ અંગે પણ ખુલાસો નથી કર્યો.

મુસાફરોનો પિત્તો ગયો

Mumbai Metro Aqua Line: આ ધાંધીયાથી નિરાશ થયેલા મુસાફરોએ સ્ટેશનો પર કમ્યુનિકેશનનો અભાવ અને અપૂરતી સુવિધાઓ અંગે પણ એક્સ પર આક્ષેપ મૂક્યો છે. મેટ્રો સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ પણ થઈ ગઈ હતી. આ ટેકનિકલ ફેલ્યરના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.  બીજું કે મેટ્રો-3ના સ્ટેશનોમાં એન્ટર થયા પછી મોબાઇલ નેટવર્ક મળતું નથી એટલે તેના કારણે મુસાફરોને કોલ કરવામાં પણ મુશ્કેલી પડી હતી.

mumbai news mumbai mumbai metro mumbai transport social media aarey colony goregaon western suburbs