19 August, 2025 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારે વરસાદને કારણે મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું એ ખરું પણ ગઈ કાલે વેસ્ટર્ન રેલવે અને મેટ્રો ટ્રેન બન્ને સડસડાટ દોડી હતી. વેસ્ટર્ન રેલવે થોડી મોડી હતી, પણ બાંદરાથી વિરાર સુધી ટ્રૅક પર પાણી ન ભરાતાં હોવાથી ટ્રેનો સ્મૂધલી દોડી હતી. સવારના પીક અવર્સને બાદ કરતાં આજે તળ મુંબઈની માર્કેટો અને બજારોમાં પણ વેપારીઓ કે કર્મચારીઓની સંખ્યા પાંખી હતી. બપોરના સમયે ટ્રેનો ખાલીખમ હતી.
મેટ્રોએ આજે ભારે વરસાદની સીઝનમાં પણ મેટ્રો અવિરત દોડતી હોવાની જાહેરાત કરી હતી. ‘મુંબઈગરાને આ અતિ ભારે વરસાદમાં પણ ગંતવ્ય સ્થાને પહોંચાડી રહ્યા છીએ’ એવો મેસેજ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ પ્રસારિત કર્યો હતો જે વાઇરલ થયો હતો. એના વિડિયોમાં ઉપર સડસડાટ દોડી રહેલી મેટ્રો અને નીચે હાઇવે પર બમ્પર-ટુ-બમ્પર ટ્રાફિકમાં અટવાઈ ગયેલાં હજારો વાહનો દર્શાવીને એણે મુંબઈગરાને સંદેશો આપ્યો હતો, ‘તમે ચિંતા ન કરો, મૈં હૂં ના.’