Mumbai Metro 9 : દહીસર પૂર્વથી મીરા-ભાયંદર મેટ્રો ટ્રેનને લઈને મોટા અપડેટ- જલ્દી જ શરૂ થશે આ કામ

07 May, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Metro 9: એમએમઆરડીએ દ્વારા મુંબઈમાં હવે એક વધુ મેટ્રોલાઇનનું ટ્રાયલ થવાનું છે, અને એ પણ આ જ મહિને. આ કોરિડોરનો માર્ગ 4.973 કિમી લાંબો છે.

મીરા રોડ સ્થિત કાશીગાંવ મેટ્રો સ્ટેશનની ઝલક

મુંબઈમાં મેટ્રો - ૯ કોરિડોર (Mumbai Metro 9)ને લઈને હવે મહત્વના અપડેટ સામે આવ્યા છે. એમએમઆરડીએ દ્વારા મુંબઈમાં હવે એક વધુ મેટ્રોલાઇનનું ટ્રાયલ થવાનું છે, અને એ પણ આ જ મહિને. 

તો આ મેટ્રો - ૯ કોરિડોર વિષે આજે વાત કરીશું. આ મેટ્રો-9 કોરિડોરનો માર્ગ 4.973 કિમી લાંબો છે. આ રુટ પર ટ્રાયલ રન શરૂ કરવા માટે શનિવાર, 10 મેથી વીજળી પુરવઠો શરૂ કરવામાં આવનાર છે. એકવાર આ રૂટ પર વીજ પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે ને ત્યારબાદ જરૂરી નિરીક્ષણો કરવામાં આવશે. 

હાલમાં તઑ એવા અહેવાલો છે કે આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં મેટ્રોલાઇન (Mumbai Metro 9) માટે ટ્રાયલ રન શરૂ થઈ શકે છે. આ રૂટ પરના મેટ્રો આ વર્ષના અંત સુધીમાં શરૂ કરાઇ શકે છે. ત્યારબાદ લોકો તેમ મુસાફરી કરી શકશે.

વાત કરીએ આ મેટ્રોલાઇન શરૂ થયા બાદ થનાર લાભ વિષે. 

મેટ્રો 9 કોરિડોર દહિસર (પૂર્વ)થી અંધેરી (પૂર્વ) સુધીના મેટ્રો 7 કોરિડોર અને દહિસર (પૂર્વ)થી અંધેરી (પશ્ચિમ) સુધીના મેટ્રો 2A કોરિડોર સાથે કનેક્ટેડ છે. એકવાર આ મેટ્રો-9નો રુટ ખૂલી જશે ત્યારબાદ પેસેન્જર્સ મીરા ભાઈંદરથી અંધેરી સુધી મેટ્રોમાં મુસાફરી કરી શકશે. પણ હજીસુધી આ મેટ્રો-9નો કારશેડ તૈયાર થયો નથી. આ કારણે, MMRDAએ ચારકોપ ડેપોથી મેટ્રો-9 રેકની જાળવણી સંદર્ભે યોજના બનાવી છે. અત્યારે મેટ્રો-7 અને મેટ્રો-2A કોરિડોરના રેક્સ ચારકોપ ડેપોમાંથી જાળવવામાં આવે છે.

દહિસર (પૂર્વ) અને મીરા ભાઈંદર વચ્ચેના ૧૩.૫ કિમી લાંબા રૂટ પર મેટ્રો-9નું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ મેટ્રો ૯ના સમગ્ર રૂટનું સિવિલ વર્ક હજી સુધી પૂરું થયું ન હોવાને કારણે MMRDAએ ૧૩.૫ કિમીના રૂટ પર એકસાથે મેટ્રોસેવા (Mumbai Metro 9) શરૂ કરવાને બદલે બે તબક્કામાં શરૂ કરવાનો પ્લાન બનાવ્યો છે.

તમને જણાવી દઈએ કે મેટ્રો લાઇન-9 એ અંધેરી-દહિસરથી મીરા ભાયંદર સુધીની રેડ લાઇન 7નું જ એક્સટેન્શન છે. જે પ્રથમ તબક્કામાં અંધેરી (WEH)થી કાશીગાંવ સુધી અને બીજા તબક્કામાં સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ, ભાયંદર પશ્ચિમ સુધી સીધી મેટ્રો લિંકને કનેક્ટ કરશે. આ સમગ્ર રેડ લાઇન 9માં આઠ સ્ટેશનોનો સમાવેશ થશે. જેમાં દહિસર, પાંડુરંગ વાડી, મિરાગાંવ, કાશીગાંવ, સાંઈ બાબા નગર, મેદિતિયા નગર, શાહિદ ભગતસિંહ ગાર્ડન અને સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ છે.

Mumbai Metro 9: આ સાથે જ તમને હાલના મીરા રોડ સ્ટેશનનો ચિતાર આપીએ તો અત્યારે પશ્ચિમ રેલ્વે સ્ટેશન પર દરરોજ ખાસો એવો મુસાફરોનો ધસારો જોવા મળતો હોય છે. આ સ્ટેશન મુંબઈ રેલ્વે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી) દ્વારા 158.50 મીટર લાંબા અને 10.70 મીટર પહોળા એલિવેટેડ ડેક સાથે સ્ટેશન પર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં નવા નોર્થ અને સેન્ટ્રલ ફૂટ ઓવર બ્રિજ પ્લસ તેના એક્સટેન્શન પણ સામેલ છે.

mumbai news mumbai mumbai metro mira road bhayander andheri mumbai metropolitan region development authority