મુંબઈ : મેટ્રો-6નું કામકાજ પુરજોશમાં

13 November, 2020 07:59 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મુંબઈ : મેટ્રો-6નું કામકાજ પુરજોશમાં

મહાકાલીની ગુફાઓ નજીક જેવીએલઆર ખાતે મેટ્રો-6 કૉરિડોર પરના ગર્ડર. તસવીર: રંજિત જાધવ

સ્વામી સમર્થનગરથી વિક્રોલી સુધી જતી મેટ્રો લાઇન-6 પર ગર્ડર લૉન્ચ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. શહેરની તમામ મેટ્રો લાઇનમાં સૌથી ઊંચી કૉરિડોર કેટલાંક સ્થળોએ ૩૫ મીટર કરતાં વધુ ઊંચાઈએ છે તેમ જ મુસાફરો માટે નયનરમ્ય દૃશ્ય ધરાવે છે.

પૂનમનગર પાસે જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ (જેવીએલઆર) પર ૩૦ મીટરની ઊંચાઈએ ગર્ડર બેસાડવામાં આવ્યા છે. હાલમાં કૉરિડોરમાં ૨૧ ટકા કરતાં વધુ કામ પૂર્ણ થઈ ગયું છે અને નવી સુધારિત ડેડલાઇન મુજબ આ કાર્ય ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવા અપેક્ષિત છે.

એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે કૉરિડોરનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ૨૧ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. માતોશ્રી ક્લબની સામે મહાકાલી ગુફાઓ નજીક ૨૩.૫ મીટરની ઊંચાઈએ ગર્ડર લૉન્ચ કરાયા છે.

વ્યસ્ત રોડ પર કૉરિડોરનું બાંધકામ એક પડકારજનક કાર્ય હતું. અત્યાર સુધીમાં લાઇન જ્યાં શરૂ થાય છે એ અંધેરીમાં લોખંડવાલામાં સ્વામી સમર્થનગર નજીક, પવઈ નજીક સુધીના વિસ્તારમાં ગર્ડર લૉન્ચ કરાયા છે.

૧૪.૫ કિલોમીટર લાંબો મેટ્રો-6 એમએમઆરડીએ વતીથી દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન દ્વારા બાંધવામાં આવી રહ્યો છે.

5490 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં સ્વામી સમર્થનગર, આદર્શનગર, મોમિનનગર, જેવીએલઆર, શ્યામનગર, મહાકાલી કેવ્ઝ, સીપ્ઝ વિલેજ, સાકી-વિહાર રોડ, રામબાગ, પવઈ લેક, આઇઆઇટી પવઈ અને કાંજુરમાર્ગ (વેસ્ટ) એમ કુલ ૧૩ સ્ટેશન હશે.

આ પ્રોજેક્ટ માટેનો ડેપો કાંજુરમાર્ગ ખાતે તૈયાર કરાયો હતો. આ પ્રોજેક્ટના શરૂ થવાથી મુસાફરોના ટ્રાવેલ-ટાઇમમાં ૪૫ મિનિટનો ઘટાડો થશે.

mumbai mumbai news mumbai metro mumbai metropolitan region development authority ranjeet jadhav