04 June, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આ વર્ષે જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં અનેક ડેડલાઇન ચૂકી ગયા પછી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) હવે નવેમ્બર મહિનામાં મેટ્રો 4 અને 4Aનો ગાયમુખથી કૅડબરી જંક્શન વચ્ચેનો રૂટ શરૂ કરે એવી શક્યતા છે.
વડાલા-કાસારવડવલી વચ્ચે દોડનારી મેટ્રો 4 લાઇન પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્રાયલ-રનને લીલી ઝંડી આપ્યાના ૯ મહિના પછી પ્રોજેક્ટ દરેક સમયમર્યાદા ચૂકી ગયો છે અને સ્ટેશનોનું કામ પણ હજી પૂરું થયું નથી. સપ્ટેમ્બર ૨૦૨૫ની ટ્રાયલ-રન માટે ઉપયોગમાં લેવાયેલી બે રેક લગભગ ૪ મહિનાથી કાસારવડવલી સ્ટેશન નજીક ધૂળ ખાતી પડી છે. એલિવેટેડ કૉરિડોર પર ધૂળથી ઢંકાયેલી રેકનો વિડિયો પણ લોકોએ શૅર કર્યો છે.
મેટ્રો 4 રૂટ પર મેટ્રોનું કામ હાલમાં લગભગ ૯૦ ટકા જેટલું પૂરું થઈ ચૂક્યું છે. કાસારવડવલીથી ગાયમુખ સુધીના એક્સટેન્શન રૂટ મેટ્રો 4Aનું કામ હજી ચાલુ છે. જોકે હવે ચોમાસું શરૂ થઈ રહ્યું હોવાથી બાકી બચેલા કામની ગતિ ધીમી પડવાની અથવા અટકી જવાની પૂરેપૂરી સંભાવના છે. જો વરસાદને કારણે કામમાં વધુ અવરોધ આવશે તો આ પ્રોજેક્ટની અંતિમ ડેડલાઇન લંબાઈને છેક ૨૦૨૬ના અંત સુધી પહોંચી શકે છે.