ફેબ્રુઆરી સુધીમાં મુંબઈ મેટ્રો-૨એ અને મેટ્રો-૭ કાર્યરત થવાની સંભાવના

29 November, 2021 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલા તબક્કાનું લગભગ ૯૫ ટકા કામ પૂરું થઈ ચૂક્યું છે એટલે બેથી ત્રણ મહિનામાં આ લાઇન શરૂ થવાની આશા છે

ઉદ્ધવ ઠાકરેએ થોડા દિવસ પહેલાં ચારકોપના મેટ્રો ડેપો પર મેટ્રો-૭ અને મેટ્રો-૨ લાઇનનું ઉદઘાટન કર્યું હતું. સૈયદ સમીર અબેદી

પ‌શ્ચિમી પરાંના મુસાફરોને રાહત આપવાનું વચન આપનારી મુંબઈ મેટ્રો લાઇન્સ-૨એ અને ૭ આંશિક રીતે ફેબ્રુઆરી પહેલાં કાર્યરત થવા અપે​ક્ષિત છે. આ સમગ્ર કૉરિડોર જુલાઈ ૨૦૨૨ સુધીમાં ખુલ્લો મુકાશે. 
મેટ્રો-૭ લાઇન દહિસરથી અંધેરીની વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધી અને મેટ્રો-૨એ દહિસરથી ડી. એન. નગર સુધી દોડાવાશે. એમએમઆરડીએના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે પહેલા તબક્કાનું લગભગ ૯૫ ટકા કામ પૂરું થઈ ચૂક્યું છે અને અમે બેથી ત્રણ મહિનામાં લાઇન શરૂ કરવા આશાવાદી છીએ. 
પ્રથમ તબક્કામાં દહાણુકરવાડીથી આરે કૉલોની (૧૮ સ્ટેશન) વચ્ચે ૨૦ કિલોમીટરમાં ફેલાયેલો છે. બન્ને મેટ્રો લાઇનથી વાહનોનો ટ્રાફિક લગભગ ૨૫ ટકા જેટલો ઘટવાની અપેક્ષા છે. સપ્ટેમ્બર મહિનામાં એમએમઆરડીએએ જે. કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ, એનસીસી, ગોદરેજ અને કૅપેસાઇટ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મેટ્રો સ્ટેશનનું કામ પૂરું કરવામાં થયેલા વિલંબ બદલ શો-કૉઝ નોટિસ પાઠવી હતી.  
એમએમઆરડીએનાં સૂત્રોએ જણાવ્યું હતું કે જો તેઓ નિર્દિષ્ટ સમયમર્યાદામાં કામ પૂરું કરવામાં નિષ્ફળ રહેશે તો તેમની પાસેથી બે કરોડ રૂપિયા કરતાં વધુ રકમનો દંડ વસૂલવામાં આવશે. 
અધિકારીઓએ કહ્યું હતું કે ‘શો-કૉઝ નોટિસ મળવાને કારણે બાકીનું કામ પૂરું કરવા માટે મશીનરી અને માનવબળ પહોંચાડવાની વ્યવસ્થા કરાતાં હવે નિર્દિષ્ટ સમયમાં કામ પૂરું થઈ શકશે. હજી સુધી તેમને દંડ કરવામાં આવ્યો નથી. જોકે શો-કૉઝ નોટિસ પણ પાછી ખેંચવામાં આવી નથી.’ 
પ્રારંભમાં એમએમઆરડીએએ ઑક્ટોબર ૨૦૧૯ સુધીમાં લાઇન્સ ખુલ્લી મૂકવા આશાવાદી હતા, પરંતુ પાછળથી સમયમર્યાદા લંબાવીને ડિસેમ્બર ૨૦૨૦ ઠરાવાઈ હતી. જોકે ૨૦૨૦ના પ્રારંભમાં મહામારી અને એને પગલે લાગું થયેલા લૉકડાઉનને કારણે કામદારો પોતાના વતન રવાના થયા અને કામ ખોરંભે ચડ્યું હતું. ત્યાર બાદ બન્ને લાઇનનું કામ ઑક્ટોબર ૨૦૨૧ સુધીમાં પૂરું કરવાનો લક્ષ્યાંક ઠરાવાયો હતો. હવે આ આખો પટ્ટો એટલે કે મેટ્રો લાઇન-૨એ અને ૭ પહેલી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં પૂરો કરવા નિર્ધારાયું છે. 
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે પ્રારંભિક ડેડલાઇન્સ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હતી. એમએમઆરડીએ શરૂઆતમાં ૧૫થી ૨૦ મિનિટના અંતરે ૧૧ ડબ્બાની ટ્રેન-સર્વિસ દોડાવશે. પાછળથી જેમ-જેમ ડબ્બાઓ જોડાતા જશે એમ બે ટ્રેન વચ્ચેનો સમયગાળો ઘટીને પાંચ મિનિટ કરવામાં આવશે. બન્ને મેટ્રો લાઇનને દેવેન્દ્ર ફડણવીસની સરકારે ૨૦૧૫ની છઠ્ઠી ઑક્ટોબરે મંજૂરી આપી હતી તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫ની ૧૧ ઑક્ટોબરે એનું ભૂમિપૂજન કર્યું હતું.

Mumbai mumbai news