16 August, 2025 07:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મેટ્રો 2A અને 7 પર મુસાફરોની સંખ્યા વધતી જાય છે અને સૌથી વધુ મુસાફરોની સંખ્યાનો રેકૉર્ડ દર વખતે નવો બને છે. ૧૨ ઑગસ્ટે દહિસર-ઈસ્ટથી અંધેરી-વેસ્ટ માર્ગ પર ચાલતી મેટ્રો 2-A અને દહિસર-ઈસ્ટથી ગુંદવલી માર્ગ પર ચાલતી મેટ્રો-7 પર કુલ ૩,૨૫,૬૫૨ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. આ દિવસે આ લાઇન પર સૌથી વધુ મુસાફરોની સંખ્યા નોંધાઈ હતી.
૧૮ જૂનથી અત્યાર સુધીમાં આ લાઇન પર સૌથી વધુ મુસાફરોનો રેકૉર્ડ ૧૧મી વાર તૂટ્યો હોવાનું મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL)એ એના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર જણાવ્યું હતું. ૮ જુલાઈએ મુસાફરોની સંખ્યા ૩,૦૧,૧૨૯ હતી. ૧૬ જુલાઈએ ૩,૧૨,૩૭૧ મુસાફરોએ આ માર્ગ પર મુસાફરી કરી હતી. પહેલી ઑગસ્ટે ૩,૨૧,૧૯૨ મુસાફરો નોંધાયા હતા અને ૧૨ ઑગસ્ટે ૩,૨૫,૬૫૨ મુસાફરોની સંખ્યાનો નવો રેકૉર્ડ
સર્જાયો હતો.
એક મહિનામાં દૈનિક મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં ૮ ટકાનો વધારો થયો હોવાનું MMMOCLએ જણાવ્યું હતું. મેટ્રો લાઇન શરૂ થયાના ૩૯ મહિનામાં ૨૦ કરોડ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી હોવાની ઉપલબ્ધિ પણ MMMOCLએ જણાવી હતી.