સેલ્સ-ટૅક્સના અધિકારીઓની કનડગત વિરુદ્ધ મેટલ-સ્ટીલના વેપારીઓની બેમુદત બંધની ધમકી

03 October, 2012 05:32 AM IST  | 

સેલ્સ-ટૅક્સના અધિકારીઓની કનડગત વિરુદ્ધ મેટલ-સ્ટીલના વેપારીઓની બેમુદત બંધની ધમકી



રોહિત પરીખ

મુંબઈ, તા. ૩

સેલ્સ-ટૅક્સના અધિકારીઓ અમારા વેપારીઓને તંગ કરવાનું બંધ નહીં કરે તો ૧૫ દિવસ પછી ભારતભરના મેટલ અને સ્ટેનલેસ સ્ટીલના વેપારીઓ તેમનો બિઝનેસ બેમુદત માટે બંધ કરશે એવી ધમકી ગઈ કાલે સી. પી. ટૅન્કની બાજુમાં આવેલા રામબાગમાં સાંજે ચાર વાગ્યાથી મળેલી મેટલ ઍન્ડ સ્ટેનલેસ સ્ટીલ મર્ચન્ટ્સ અસોસિએશનની મીટિંગમાં જાહેરાત કરવામાં આવી હતી.

મેટલ ઍન્ડ સ્ટેનલેસ સ્ટીલના વેપારીઓના પર્ચેઝ બિલ પર લગાડેલા વૅટની રકમ પર્ચેઝર તરફથી સેલ્સ-ટૅક્સમાં જમા ન થતી હોવાથી સેલ્સ-ટૅક્સના કમિશનર સંજીવ ભાટિયાએ એક નોટિસ ઇશ્યુ કરી આ રકમ જેણે માલની ખરીદી કરી હોય એ વેપારીઓ પાસેથી રકમ વસૂલ કરતાં મેટલ અને સ્ટેનલેસ સ્ટીલના વેપારીઓ અને સેલ્સ-ટૅક્સના કમિશનર સાથે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ સેલ્સ-ટૅક્સ તરફથી વેપારીઓ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની શરૂઆત થતાં આ વિવાદે ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું.

મેટલ ઍન્ડ સ્ટેનલેસ સ્ટીલ મર્ચન્ટ્સ અસોસિએશનના સેક્રેટરી જેઠમલ બોથરાએ ‘મિડ-ડે’ને આ બાબતની વિગતવાર માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે જેની પાસેથી માલ ખરીદ્યો હોય એ પાર્ટી વૅટની ચુકવણી ન કરે એમાં માલ ખરીદનારનો શું વાંક? આની સામે સેલ્સ-ટૅક્સના અધિકારીઓ કહે છે કે વૅટના કાયદા પ્રમાણે જો માલ વેચનાર વૅટ ન ભરે તો એ માલ ખરીદનારે વૅટ ભરવો પડે. એની સામે અમારો વિરોધ છે. અમારા વિરોધનું સમાધાન થાય એ માટે અમે સંજીવ ભાટિયા, મુખ્ય પ્રધાન પૃથ્વરાજ ચવાણ અને એ સમયના મહારાષ્ટ્રના નાણાપ્રધાન અજિતા પવારને મળ્યાં હતા; પણ સમાધાન થવાને બદલે સેલ્સ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ તરફથી મેટલના વેપારીઓની કનડગત શરૂ થઈ ગઈ. ફૉર્જરી અને પેનલ્ટીના કેસ અમારા પર ઠોકવામાં આવ્યા. ઉપરથી ફોન પર પૈસા ભરો નહીંતર જેલમાં જવા તૈયાર રહો એમ સેલ્સ-ટૅક્સના અધિકારીઓના ફોન આવે છે.’

રસ્તા પર આવવું પડશે

સેલ્સ-ટૅક્સના અધિકારીઓની હેરાનગતિથી કંટાળીને ગઈ કાલે અમે ફામના અધ્યક્ષ મોહન ગુરનાણી, મલબાર હિલના બીજેપીના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા અને મુંબાદેવીના કૉન્ગ્રેસના વિધાનસભ્ય અમીન પટેલ તેમ જ માર્કેટના વેપારીઓ સાથે એક જાહેર સભા યોજી હતી એમ જણાવતાં જેઠમલ બોથરાએ કહ્યું હતું કે ‘આ સભામાં મંગલ પ્રભાત લોઢાએ અમને રસ્તા પર આવ્યા સિવાય આનું સમાધાન નહીં થાય એવો અનુરોધ કયોર્ હતો અને અમીન પટેલે એકાદ-બે દિવસમાં અત્યારના મહારાષ્ટ્રના નાણાપ્રધાન જયંત પાટીલને મળીને સમાધાન કરાવી આપવાની ખાતરી આપી હતી. આની સામે વેપારીઓએ નિર્ણય લીધો હતો કે જો અમારી સમસ્યાનું સમાધાન ૧૫ દિવસમાં નહીં થાય તો દેશભરના મેટલના વેપારીઓ તેમનો વેપાર બેમુદત બંધ રાખશે.’

વૅટ - સ્ખ્વ્ = વૅલ્યુ ઍડેડ ટૅક્સ

ફામ = ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર