14 October, 2026 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ મિડ-ડે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation) એ શહેરભરમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો સામેની ઝુંબેશ તીવ્ર બનાવી છે, જેના અંતર્ગત છેલ્લા છ દિવસમાં વિવિધ વોર્ડમાંથી ૨,૨૯૧ અનધિકૃત બેનરો હટાવવામાં આવ્યા છે. મુંબઈ (Mumbai)ના નવનિયુક્ત મેયર રિતુ તાવડે (Ritu Tawde)એ પોતે રસ્તા પર ઊતરીને આ કાર્યવાહીનું રુબરુ નિરીક્ષણ કર્યું હતું અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડતી અનધિકૃત રાજકીય તેમજ વ્યાવસાયિક જાહેરાતો સામે ‘ઝીરો-ટોલરન્સ’ની નીતિ અપનાવવા પાલિકા (BMC)ના અધિકારીઓને સૂચના આપી હતી.
પશ્ચિમ અને મધ્ય મુંબઈના કેટલાક મુખ્ય ઉપનગરોમાં નિરીક્ષણ દરમિયાન, મેયર રિતુ તાવડેએ (Mumbai Mayor Ritu Tawde launches anti-flex drive) પાલિકાના વોર્ડ ઓફિસરોને વર્ષના ૩૬૫ દિવસ મુંબઈને સંપૂર્ણપણે "ફ્લેક્સ-ફ્રી" રાખવાની ખાતરી કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગેરકાયદે બેનરો સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે અને શહેરના સૌંદર્યને પણ બગાડે છે.
કામગીરીને વધુ ઝડપી અને જવાબદારીપૂર્વકની બનાવવા માટે, મેયર રિતુ તાવડેએ ગેરકાયદે બેનરો અંગેની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે વોર્ડ સ્તરે ૭૨ કલાકની કડક સમયસીમા જાહેર કરી છે. આ નવા નિયમ મુજબ, BMC ના સેન્ટ્રલાઈઝ્ડ ગ્રીવન્સ રેડ્રેસલ સેલ દ્વારા ફરિયાદ મળ્યાના ત્રણ દિવસની અંદર પાલિકા સત્તાવાળાઓએ તપાસ કરી, અનધિકૃત બેનરો હટાવવાના રહેશે અને ગુનેગારો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની રહેશે.
પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા ઉભા કરાયેલા ગેરકાયદે ફ્લેક્સની ઓળખ કરવા માટે મુખ્ય માર્ગો, ટ્રાફિક જંકશનો અને રેલવે સ્ટેશન પરિસરમાં ચોવીસે કલાક પેટ્રોલીંગ માટે વોર્ડ સ્તરે સમર્પિત ‘ફ્લાઈંગ સ્કવોડ’ (ઉડન દસ્તા) ની રચના કરવામાં આવી છે.
પાલિકાની આ કાર્યવાહીમાં પૂર્વ મંજૂરી કે જરૂરી ફી ભર્યા વગર લગાવવામાં આવેલા તમામ પ્રકારના ગેરકાયદે બેનરો, હોર્ડિંગ્સ, કટ-આઉટ્સ અને પોસ્ટરોને નિશાન બનાવવામાં આવ્યા છે. તહેવારો, રાજકીય કાર્યક્રમો અને વ્યાવસાયિક જાહેરાતો માટે મંજૂરી વગર મુકાયેલા હજારો ગેરકાયદે ડિસ્પ્લેને પાલિકાની દસ્તા ટીમોએ તોડી પાડ્યા હતા.
પાલિકાએ સ્પષ્ટ કર્યું હતું કે પાલિકાના અધિકૃત કાર્યક્રમો કે લાયસન્સ ધરાવતા વ્યાવસાયિક હોર્ડિંગ્સ નિયંત્રિત છે, પરંતુ ‘મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટ’ (Maharashtra Prevention of Defacement of Property Act)નું ઉલ્લંઘન કરતા કોઈપણ અનધિકૃત બેનરોને તાત્કાલિક જપ્ત કરી હટાવી દેવામાં આવશે.
રાજકીય પક્ષો, સ્થાનિક જૂથો અને વ્યાવસાયિક જાહેરાતકર્તાઓને પાલિકાના નિયમોનું ઉલ્લંઘન ન કરવા ચેતવણી આપતા મેયર તાવડેએ જણાવ્યું હતું કે વારંવાર ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી અને નાણાકીય દંડ ફટકારવામાં આવશે. નાગરિક સંસ્થા તમામ ૨૪ વહીવટી વોર્ડમાં વારંવાર ઉલ્લંઘન થતા સ્થળો પર નજર રાખવા ડિજિટલ મોનિટરિંગ ટૂલ્સ અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહી છે.
નિર્ધારિત ૭૨ કલાકની સમયસીમામાં ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે નાગરિકોને ગેરકાયદે બેનરો, હોર્ડિંગ્સ અને પોસ્ટરો અંગે સીધી પાલિકા હેલ્પલાઈન અથવા સત્તાવાર મોબાઈલ એપ પર જઈને ફરિયાદ નોંધાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.