કલ્યાણના મટકાકિંગ જિજ્ઞેશ ઠક્કર ઉર્ફે મુન્નાના મર્ડરનું કારણ શું?

02 August, 2020 11:32 AM IST  |  Mumbai | Mumbai correspondent

કલ્યાણના મટકાકિંગ જિજ્ઞેશ ઠક્કર ઉર્ફે મુન્નાના મર્ડરનું કારણ શું?

જિજ્ઞેશ ઠક્કર

કલ્યાણના મટકાકિંગ જિજ્ઞેશ ઠક્કર ઉર્ફે મુન્નાની શુક્રવારે રાતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સંદર્ભે મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવાઈ રહી છે.

મૂળ અમરેલી જિલ્લાના ગુદરણ ગામનો લોહાણા જ્ઞાતિનો જિજ્ઞેશ યશવંત ઠક્કર (મસરાણી) હાલમાં કલ્યાણના શિવાજી પેઠના ઝુંજારુ નગરમાં રહેતો હતો. તે કલ્યાણ સ્ટેશન પાસે નીલમ સોશ્યલ ક્લબ ચલાવો હતો. ઘટના વિશે વધુ માહિતી આપતાં મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનના સિનિયર પીઆઇ એન. કે. બનકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિજ્ઞેશ ઠક્કરની નીલમ સોશ્યલ ક્લબ ધર્માદા આયુક્ત પાસે રજિસ્ટર કરાયેલી ક્લબ છે જે હાલમાં લૉકડાઉનને કારણે બંધ છે. તેમના પરિવારની કરિયાણાની અને અન્ય દુકાનો પણ છે. શુક્રવારે જિજ્ઞેશ નીલમ ક્લબની નીચે આવેલી તેની ઑફિસમાં મિત્રો સાથે બેઠો હતો. મિત્રો રાતે ૯.૩૦ વાગ્યે ઘરે ચાલી ગયા હતા. જિજ્ઞેશ પણ ઘરે જવા નીકળ્યો હતો, પણ ઑફિસની બહાર આવ્યા બાદ એક કૉલ આવતાં તે ઑફિસની બહાર મોબાઇલ પર વાત કરી રહ્યો હતો ત્યારે હુમલાખોરો ત્રાટક્યા હતા અને તેના પર ૪ ગોળી છોડી હતી, જેમાંની બે ગોળી તેને વાગી હતી. ત્યાર બાદ જિજ્ઞેશ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો, પણ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.

અમને ફાયરિંગની માહિતી મળતાં અમારી પોલીસ-ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. અમને સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મળ્યાં છે, પણ એ બહુ ઝાંખાં છે, એમાં કશું પણ ક્લિયર દેખાતું નથી. એ ગલીમાં જે સીસીટીવી કૅમેરા બેસાડ્યા છે એ હાલમાં લૉકડાઉનને કારણે બંધ છે એટલે એમાં કશું રેકૉર્ડ થયું નથી. અમે હત્યાનો કેસ નોંધીને કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છીએ.’

બીજી બાજુ તેમના પરિવારે સંબંધીઓને અપીલ કરી હતી કે હાલની કોરોનાની પરિસ્થિતિને કારણે અંતિમવિધિ સરકારી નિયમોને આધીન રહીને જ કરવાની હોવાથી કોઈએ અંતિમ યાત્રામાં આવવું નહીં. ઘરે બેસીને તેમના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવી.

mumbai mumbai news kalyan