મુંબઈ: ક્રૉફર્ડ માર્કેટમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

12 June, 2020 08:20 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: ક્રૉફર્ડ માર્કેટમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

ક્રૉફર્ડ માર્કેટમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરતા ફાયરબ્રિગેડના જવાનો. તસવીર : બિપિન કોકાટે

સાઉથ મુંબઈમાં આવેલી ક્રૉફર્ડ માર્કેટમાં ગઈ કાલે સાંજે ૬.૧૫ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાના કારણે વેપારીઓમાં ગભરાટનો માહલો છવાઈ ગયો હતો. અંદાજે ૩થી ૪ ગાળા આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

તળ મુંબઈની વર્ષોજૂની ક્રૉફર્ડ માર્કેટમાં ગઈ કાલે સાંજે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગડેના ફારએન્જિન ત્રણ જ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ આગનો વ્યાપ વધતાં ફાયરબ્રિગેડ દ્વારા લેવલ-2ની આગ જાહેર કરાઈ હતી. ૬ ફાયર એન્જિન અને પાંચ જમ્બો ટૅન્કર સાથે એક ઍમ્બ્યુલન્સ અને એક રેસ્ક્યુ વૅન પણ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. દૂરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાતા હતા. અનેક ગાળાધારકો જે નજીકમાં જ હતા તેઓ તરત જ ત્યાં પહોંચી ગયા હતા. એમઆરએ માર્ગ પોલીસ અને એલટી માર્ગ પોલીસ પણ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને એ વિસ્તાર કૉર્ડન કરી લીધો હતો. એ પહેલાં કેટલાક યુવાનો અંદર સુધી ગયા હતા અને તેમણે ફોટો અને વિડિયો પણ પાડ્યા હતા.

જોકે આ આગમાં કોઈ જાનહાનિ કે કોઈના ઘાયલ થવાના અહેવાલ નથી એમ બીએમસીના ડેપ્યુટી પીઆરઓ તુકારામ કાંબળેએ જણાવ્યું હતું. કલાકોની જહેમત બાદ ૭.૫૭ વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો પણ મોડી રાત સુધી કુલિંગ ઑપરેશન ચાલુ હતું.

mumbai news mumbai crawford market