મૉલના ટૉઇલેટમાં સિદ્ધિવિનાયક મંદિર નિશાના પર હોવાનો મેસેજ લખ્યો

18 June, 2019 10:50 AM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મૉલના ટૉઇલેટમાં સિદ્ધિવિનાયક મંદિર નિશાના પર હોવાનો મેસેજ લખ્યો

પ્રેમીઓ એકમેકને મેળવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે એનું ઉદાહરણ ગઈ કાલે થાણેમાં જોવા મળ્યું હતું. પ્રેમિકાએ સાથ છોડીને બીજા યુવક સાથે મિત્રતા વધારતાં બન્નેને પાઠ ભણાવવા માટે થાણેના એક મૉલના ટૉઇલેટમાં શહેરનું જાણીતું સિદ્ધિવિનાયક મંદિર આતંકવાદીઓના નિશાના પર હોવાના મેસેજ સાથે ભૂતપૂર્વ પ્રેમિકા અને તેના પ્રેમીના નંબર લખીને દહેશતનું વાતાવરણ ઊભું કર્યું હતું. ‘દુશ્મન પર ફતેહ’, ‘જિહાદ-ઉલ-અકબર ટાર્ગેટ દાદર સિદ્ધિવિનાયક બૉમ્બ’ના મેસેજની માહિતી મળ્યા બાદ પોલીસ કામે લાગી ગઈ હતી અને તપાસ બાદ પ્રેમીની ધરપકડ કરી હતી. બન્ને વચ્ચે ૭ વર્ષથી મિત્રતા હતી.

થાણેમાં આવેલા વિવિયાના મૉલના ટૉઇલેટમાં મંદિર આતંકવાદીઓના નિશાન પર હોવાના બે મેસેજ જોવા મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરતાં એમાં લખાયેલો નંબર થાણેમાં રહેતી એક યુવતીનો હોવાનું જણાયું હતું. પોલીસે તેને ફોન કરીને પોલીસ-સ્ટેશન બોલાવીને પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે મારો એક જૂનો મિત્ર કેટલાક દિવસથી મને પરેશાન કરતો હતો.
યુવતીની માહિતીના આધારે પોલીસે વિક્રોલીમાં રહેતા કેતન ધોડકે નામના ભૂતપૂર્વ પ્રેમીની ભાળ મેળવીને તેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં કેતને કહ્યું હતું કે ‘મારી યુવતી સાથે લાંબા સમયથી મિત્રતા હતી, પણ છેલ્લા કેટલાક સમયથી તેણે મને અવગણવાની સાથે બીજા એક યુવક સાથે મિત્રતા કરી હતી એથી બન્નેને પાઠ ભણાવવા માટે જ મેં મૉલના ટૉઇલેટમાં મંદિર આતંકવાદીઓના નિશાન પર હોવાના મેસેજ લખ્યા હતા.’

થાણેના પોલીસ કમિશનર વિવેક ફણસળકરે કહ્યું હતું કે ‘આરોપી કેતને પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા સાથે બદલો લેવા શહેરમાં દહેશત ફેલાય એવા મેસેજ લખ્યા હોવાનું કબૂલ્યું છે આથી આ મેસેજનો કોઈ પણ આતંકવાદી સંગઠન સાથે સંબંધ નથી.’

આરોપી કેતન ધોડકે સામે આઇપીસીની કલમ ૫૦૫ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મુંબઈ નજીકના ઉરણ બ્રિજના પિલર પર આઇએસઆઇએસના સૂત્રધાર અબુ બકર અલ બગદાદી અને ૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદની પ્રશંસા કરતું લખાણ જોવા મળ્યું હતું. આ મામલામાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ તપાસમાં જાણવા નહોતી મળી.

mumbai news