દાદરા-નગર હવેલીના મોહન ડેલકરની મોત પાછળ પોલીસને મૂંઝવી રહ્યા છે સવાલ

24 February, 2021 09:16 AM IST  |  Mumbai | Mid-day Correspondent

દાદરા-નગર હવેલીના મોહન ડેલકરની મોત પાછળ પોલીસને મૂંઝવી રહ્યા છે સવાલ

દાદરા અને નગર હવેલીના સંસદસભ્ય મોહન ડેલકર

દાદરા અને નગર હવેલીના સંસદસભ્ય મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં સોમવારે મળ્યો હતો. પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં તેમનું મૃત્યુ સવારે ૭થી ૮ વાગ્યાની વચ્ચે થયું હોવાનું જણાવ્યું છે, જ્યારે બપોરે બે વાગ્યે તેમણે આત્મહત્યા કરી હોવાની જાણ થઈ હતી. કાયમ કાર્યકરો અને સ્ટાફથી ઘેરાયેલા રહેતા સંસદસભ્યના મૃત્યુ બાબતે છ કલાક સુધી કેમ કોઈને ખબર ન પડી એ સવાલ પોલીસને સતાવી રહ્યો છે. આ મામલાની તપાસ દક્ષિણ મુંબઈના ડીસીપીની ટીમ કરી રહી છે. દરમ્યાન ગઈ કાલે મોહન ડેલકરનો મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

મરીન લાઇન્સ વિસ્તારમાં આવેલી સી ગ્રીન સાઉથ હોટેલની રૂમમાંથી સોમવારે બપોરે દાદરા અને નગર હવેલીના સંસદસભ્ય મોહન ડેલકરનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. રવિવારે સાંજે તેઓ મુંબઈ આવ્યા હતા અને આ હોટેલમાં ઊતર્યા હતા. તેમની સાથે ડ્રાઇવર પણ હતો. રાત્રે સૂતા બાદ તેમનો દરવાજો બપોર સુધી ન ખૂલતાં કંઈક ગરબડ હોવાની શંકા જતાં પોલીસની મદદથી રૂમનો દરવાજો ખોલતાં તેમનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહની પાસે ગુજરાતી ભાષામાં લખેલી સુસાઇડ-નોટ પોલીસને મળી હતી, જેમાં ગુજરાતના કેટલાક સરકારી અધિકારીઓ અને ભૂતપૂર્વ પ્રધાન પોતાના મૃત્યુ માટે જવાબદાર હોવાનું લખ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ કેસની તપાસ દક્ષિણ મુંબઈના ડીસીપી અને તેમની ટીમ કરી રહી છે. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં મોહન ડેલકરનું મૃત્યુ સવારે ૭ અને ૮ વાગ્યાની વચ્ચે થયું હોવાનો અંદાજ ડૉક્ટરોએ લગાવ્યો છે. બપોરે બે વાગ્યા સુધી તેમના ડ્રાઇવર કે બીજા કોઈએ તેઓ કેમ હજી સુધી સૂતા છે એ જોવાનો પ્રયાસ નહોતો કર્યો. આથી આ મામલો શંકા ઉપજાવનારો છે. હોટેલના સ્ટાફે પણ કેમ તેમનો બપોર સુધી સંપર્ક નહોતો કર્યો? અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.’

પોસ્ટમૉર્ટમ થઈ ગયા બાદ સોમવારે મોડી રાત્રે મોહન ડેલકરનો મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાંથી જાણવા મળ્યું હતું કે ઘટના આ પોલીસ-સ્ટેશનની હદમાં બની છે, પણ આ હાઇ પ્રોફાઇલ કેસ હોવાથી એની તપાસ દક્ષિણ મુંબઈના ઝોન-૧ના ડીસીપી શશીકુમાર મીના અને તેમની ટીમ કરી રહી છે. તેમણે તપાસ ચાલુ હોવાથી અત્યારે કંઈ પણ જાહેર ન કરવાનું કહ્યું હતું.

મોહન ડેલકરના મૃત્યુ માટે બીજેપી જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં સચિન સાવંતે ટ્‌વીટ દ્વારા કહ્યું હતું કે ‘આ મામલે તપાસ કરવા માટે ગૃહરાજ્યપ્રધાન અનિલ દેશમુખને કહેવામાં આવશે. આ ખૂબ જ ગંભીર મામલો હોવાથી તપાસ કરીને સત્ય બહાર લાવવું જરૂરી છે.’

મોહન ડેલકરે સુસાઇડ-નોટમાં ગુજરાતના કેટલાક સરકારી અધિકારીઓ અને ભૂતપૂર્વ પ્રધાન પોતાના મૃત્યુ માટે જવાબદાર હોવાનું જણાવ્યું છે.

mumbai mumbai news suicide