મુંબઈ : મણિભવને રિપેર માટે સરકારની મદદ માગી

29 February, 2020 07:45 AM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈ : મણિભવને રિપેર માટે સરકારની મદદ માગી

મણિભવન

૧૫૦ વર્ષ જૂના એસ્પ્લેનેડ મૅન્શન પછી હવે આઝાદીની ચળવળ દરમ્યાન મહાત્મા ગાંધીની પ્રવૃત્તિઓના કેન્દ્ર સમા મણિભવનના સમારકામની પણ જરૂર ઊભી થઈ છે. મણિભવનનું સંચાલન કરતા ટ્રસ્ટે ૧૧૦ વર્ષ જૂની એ ઐતિહાસિક ઇમારતના સમારકામ માટે રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માગી છે. દાયકાઓના તડકા-છાંયડા, વરસાદ, દીવાલો અને બાંધકામ નબળાં પડવા ઉપરાંત અંદરના પ્લમ્બિંગમાં પણ પ્રૉબ્લેમ છે. વળી ચોમાસામાં છાપરાંમાં ગળતર પણ થાય છે.

ગ્રાન્ટ રોડ-ચોપાટી પાસેના લેબર્નમ રોડ પરની હેરિટેજ ગ્રેડ-વન ઇમારતના રીસ્ટોરેશન, કન્ઝર્વેશન અને રિપેરિંગ માટે પરવાનગી ઉપરાંત આર્થિક સહાય પણ માગવામાં આવી છે. કેટલાંક અઠવાડિયાં પહેલાં દરખાસ્ત મુંબઈ શહેરના પાલકપ્રધાન અસલમ શેખને આપવામાં આવી હતી.

મણિભવન ગાંધી સ્મારક નિધિ ટ્રસ્ટના સચિવ યોગેશ કામદારે જણાવ્યું હતું કે ‘અમે આ ઇમારતને જાળવવાના બનતા બધા પ્રયાસ કર્યા છે, પરંતુ આ હેરિટેજ માળખાના સમારકામ માટે આર્થિક સહાયની જરૂર છે. ૧૧૦ વર્ષથી વધુ જૂની ઇમારતને હવાના ભેજ તથા તડકા-છાંયડા અને વરસાદ જેવાં પરિબળોને કારણે નુકસાન થયું છે. તાકીદે સમારકામની જરૂર છે. હેરિટેજ ઇમારતોના રીસ્ટોરેશનની આવશ્યકતા હંમેશાં રહે છે. અમારું પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટ હોવાથી અમારાં સાધનો મર્યાદિત છે. ૨૦૦૪માં સરકારે રિપેર્સ અને રિનોવેશન માટે ૯૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી. એ વખતે અમે ગંભીર પ્રકારનાં નુકસાન થયાં હતાં એનું સમારકામ કરાવ્યું હતું. હવે રીસ્ટોરેશન, કન્ઝર્વેશન અને અપગ્રેડેશન માટે ગ્રાન્ટ મળશે તો મ્યુઝિયમમાં પણ સુધારા કરી શકીશું.’

mahatma gandhi mumbai news mumbai arita sarkar