03 July, 2026 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અંધેરીના સાકીનાકામાં જ્યાં ઘટના બની તે સ્થળ (તસવીરઃ રણજીત જાધવ)
મુંબઈ (Mumbai)ના સાકીનાકા (Sakinaka)માં ડ્રેનેજના સમારકામ દરમિયાન એક ખુલ્લા મેનહોલમાં પડી જવાથી ૫૫ વર્ષીય વ્યક્તિના મોતના પગલે મુંબઈમાં ચોમાસા (Mumbai Rains) દરમિયાન લેવાતા સુરક્ષાના ઉપાયો પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ દુર્ઘટના બાદ મુંબઈ પોલીસ (Mumbai Police) અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) બંને એ તાત્કાલિક પગલાં લીધા છે, જેમાં સંબંધિત કોન્ટ્રાક્ટર અને શ્રમિકો વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે તેમજ ચાર નાગરિક અધિકારીઓને સસ્પેન્ડ કરીને જવાબદારી નક્કી કરવા માટે વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મુંબઈના સાકીનાકામાં ડ્રેનેજના સમારકામ દરમિયાન ખુલ્લા મેનહોલમાં પડી જવાથી ૫૫ વર્ષીય રાહદારીના મોતની ઘટનાના (Mumbai Manhole Death) એક દિવસ બાદ, મુંબઈ પોલીસ આ નાગરિક કામગીરી સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર અને શ્રમિકો વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધી છે.
બીજી તરફ, આ જીવલેણ ઘટના પાછળ કથિત બેદરકારીને ગંભીરતાથી લેતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)એ ચાર નાગરિક અધિકારીઓને સસ્પેન્ડ (ફરજ મોકૂફ) કર્યા છે અને તેમની સામે વિભાગીય તપાસ શરૂ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક વ્યક્તિની ઓળખ અસલમ ઇસાક શેખ (૫૫) તરીકે થઈ છે, જેઓ ભારે વરસાદ વચ્ચે સાકીનાકાના ખૈરાની રોડ પર ડ્રેનેજ રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એક ખુલ્લા મેનહોલમાં ખાબક્યા હતા.
બીએમસીના એલ વોર્ડના અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે સાકીનાકા પોલીસે કોન્ટ્રાક્ટર અને કામદારો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે કે શું ઘટનાસ્થળે બેરિકેડિંગ અને ચેતવણીના બોર્ડ લગાવવા જેવા ફરજિયાત સુરક્ષા નિયમોની અવગણના કરવામાં આવી હતી કે નહીં.
આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે, બીએમસી એ તેના એલ વોર્ડના ચાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને આ દુર્ઘટના કઈ પરિસ્થિતિઓમાં બની તેની વિભાગીય તપાસના આદેશ આપ્યા છે. નાગરિક સત્તાવાળાઓ કોન્ટ્રાક્ટરની ભૂમિકાની પણ તપાસ કરી રહ્યા છે અને જો બેદરકારી સાબિત થશે તો તે એજન્સીને બ્લેકલિસ્ટ (કાળી યાદીમાં સામેલ) કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું છે કે તપાસ બાદ જવાબદારી નક્કી કરવામાં આવશે અને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે.
આ ઘટનાએ મુંબઈમાં ચોમાસાની ઋતુ (Mumbai Monsoon) દરમિયાન જાહેર સુરક્ષા અંગે ફરી એકવાર ચિંતા જગાવી છે, જ્યાં ચાલુ નાગરિક કામો, પાણી ભરાવાની સમસ્યા અને ખુલ્લા મેનહોલ રાહદારીઓ તેમજ વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું કરે છે. સત્તાવાળાઓએ કોન્ટ્રાક્ટરોને સુરક્ષા પ્રોટોકોલનું સખતપણે પાલન કરવા તાકીદ કરી છે, જેમાં ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન યોગ્ય બેરિકેડિંગ, રિફ્લેક્ટિવ વોર્નિંગ સાઇન્સ (ચમકતા ચેતવણી બોર્ડ) અને ખોદકામના સ્થળોનું સતત નિરીક્ષણ સામેલ છે. હાલમાં આ મામલે પોલીસ (Mumbai Police) અને બીએમસી બંનેની તપાસ ચાલી રહી છે.