કોરોનાની સરખામણીમાં કચ્છના ભૂકંપની ભયાનકતા ઘણી વધારે હતી : દિનેશ સંઘવી

13 November, 2020 07:59 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

કોરોનાની સરખામણીમાં કચ્છના ભૂકંપની ભયાનકતા ઘણી વધારે હતી : દિનેશ સંઘવી

દાન દ્વારા ફરીથી બંધાયેલા ઘરમાં દિનેશ સંઘવી.

૧૯૭૮માં કચ્છમાં મણિભાઈ સંઘવીએ સ્થાપેલી સામાજિક  સંસ્થા ગ્રામ સ્વરાજ સંઘે ૨૦૦૧ના ધરતીકંપ સહિત વિવિધ કુદરતી આફતો અને કોરોના રોગચાળા દરમ્યાન પણ વ્યાપક સેવા કાર્યો કર્યાં છે. એ સંસ્થાએ કોરોના રોગચાળા દરમ્યાન કચ્છનાં દૂરનાં અંતરિયાળ ગામડાંઓમાં ૩૦૦૦ પરિવારોને મદદ કરી છે. હાલમાં એ સામાજિક સંસ્થાનું સંચાલન મણિભાઈના પુત્ર અને બાળકોના અધિકાર માટે સંઘર્ષશીલ કાર્યકર દિનેશભાઈ કરે છે. વ્યાપક પ્રમાણમાં માનવ-જાનહાનિને ધ્યાનમાં રાખીને દિનેશભાઈએ સ્વાભાવિક રીતે બન્ને દુર્ઘટનાઓની સરખામણી કરી હતી. દિનેશભાઈએ કોરોનાની સરખામણીમાં કચ્છના ૨૦૦૧ના ધરતીકંપની ભયાનકતા ઘણી વધારે હોવાનું જણાવ્યું.

 કચ્છના રાપર તાલુકાના નીલપર ગામના વતની ૭૧ વર્ષના દિનેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ‘૨૦૦૧ના ધરતીકંપમાં એકલા કચ્છ જિલ્લાએ સહન કર્યું હતું અને કોરોના રોગચાળામાં આખી દુનિયા સહન કરે છે. જોકે રોગચાળાના પ્રતિકાર માટે ફિઝિકલ ડિસ્ટન્સિંગ, સ્વચ્છતા અને આરોગ્ય જાળવણીની તકેદારી અને કાળજી રાખવાની આવશ્યકતા, રોગ પ્રતિકારક ક્ષમતા માટે પૌષ્ટિક ખોરાક વગેરેના રૂપમાં પ્રતિકાર અને સારવારનો એજન્ડા તૈયાર છે, પરંતુ આપણી જીવનશૈલીમાં એ બધા ઉપચારો તથા એજન્ડાની જાળવણી મુશ્કેલ બને છે. આ રોગચાળો સમાજ અને રાષ્ટ્ર માટે ઍસિડ-ટેસ્ટ સમાન છે. વ્યક્તિગત આઝાદી અને સામૂહિક જવાબદારી જુદી-જુદી બાબતો છે. હાલમાં આપણે જવાબદાર નાગરિક તરીકે વર્તન કરવાનું છે.’

ખેતી અને ગ્રામીણ વિકાસ વિષયમાં સ્નાતકની પદવી ધરાવતા દિનેશ સંઘવીએ જણાવ્યું હતું કે ‘૨૦૦૧ના ધરતીકંપ પછી બચાવ અને રાહતકાર્યમાં સહભાગી થયો ત્યારે મને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ હતી. એ વખતે હું બાળકોને ભૂકંપના આઘાતમાંથી મુક્ત કરવા પ્રયત્ન શીલ ચાઇલ્ડ રાઇટ્સ ઍન્ડ યુ (ક્રાય) સંસ્થાના કાર્યકરોના સંપર્કમાં આવ્યો હતો. તેમણે ટૂંકા ગાળામાં બાળકો માટે ડે કૅર સેન્ટર્સ શરૂ કર્યાં હતાં. હું ગ્રામ સ્વરાજ સંઘના બૅનર નીચે તેમની સાથે જોડાયો હતો. એ વખતથી બાળકોના અધિકારોના ક્ષેત્રે કામગીરી શરૂ કરી છે.’

mumbai mumbai news kutch coronavirus vinod kumar menon