સલામ મુંબઈકર: ટ્રેન નજીક આવતી હોવાથી યુવાને ટ્રેક પર ઉતરીને કૂતરાનો બચાવ્યો જીવ

09 August, 2022 08:19 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

હાલ ફરી એક વાર મુંબઈ લોકલ દ્વારા થનારા આવા જ અકસ્માતમાં એક જીવ બચાવી લેવાયો છે જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

મુંબઈની લાઇફલાઈન ગણાતી લોકલ ટ્રેન સાથે ઘણીવાર કોઇક અકસ્માતમાં અનેક લોકોનો જીવ ગયો હોય તથા બચાવી લેવાયો હોય તેવા કિસ્સા અવારનવાર સમાચારમાં જોવા મળે છે. હાલ ફરી એક વાર મુંબઈ લોકલ દ્વારા થનારા આવા જ અકસ્માતમાં એક જીવ બચાવી લેવાયો છે જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે મુંબઈ લોકલ ટ્રેનના ટ્રેક પર ટ્રેનની સામે એક કૂતરું પડી ગયું છે અને હવે તે ટ્રેન આવવાની વિરુદ્ધ દિશામાં દોડી રહ્યું છે. આ શ્વાનની પાછળથી ટ્રેન આવતી જોઈ એક માણસ નીચે ઉતરે છે અને કૂતરાને પકડીને પ્લેટફૉર્મ પર ચડાવે છે. પોતે પણ પ્લેટફૉર્મ પર ચડે છે અને આ રીતે આ યુવાન પોતાનો અને ટ્રેન સામે આવી ગયેલા શ્વાનનો જીવ બચાવે છે. દરમિયાન મોટરમેનનું પણ ધ્યાન કૂતરા પર જતાં તે પણ ટ્રેન ધીમી કરી દે છે. આમ કરતા મુંબઈકરનું પ્રાણીપ્રેમ તો દેખાઈ આવે જ છે પણ તેની સાથે આવા મુંબઈકરનો જે જોશ છે તે પણ સ્પષ્ટ દેખાય છે. 

નોંધનીય છે કે આ વીડિયો મુંબઈ 7મેરી જાન નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયો સાથે લખવામાં આવ્યું છે આ યુવાન પ્રત્યે આદર. આની સાથે જ હાર્ટ ઇમોજી શૅર કરવામાં આવી છે. સાથે નીક લોખંડેને કૉપીરાઇટ્સ આપવામાં આવ્યા છે. મુંબઈ મેરી જાન, મુંબઈકર, મુંબઈ, થિંગ્સ ટુ ડુ જેવા અનેક હેશટૅગ સાથે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Mumbai mumbai news mumbai local train mumbai trains