મુંબઈ: મારી પેન્સિલમાં હાર્ટ ને એ ધબકે પણ છે!

30 July, 2020 07:20 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મુંબઈ: મારી પેન્સિલમાં હાર્ટ ને એ ધબકે પણ છે!

ઓક્સિમીટર

અંધેરીના એક ચિંતિત સ્થાનિકે ઑક્સિમીટર ખરીદ્યું ત્યારે તેમનો એકમાત્ર આશય તેમનું અને તેમના સ્વજનોનું ઑક્સિજન લેવલ તપાસવાનો હતો, પરંતુ જ્યારે તેમણે અખતરો કરવા ઑક્સિમીટરમાં પેન્સિલ મૂકી તો આ ડિવાઇસે પેન્સિલનું ઑક્સિજન-લેવલ અને હાર્ટ રેટ દર્શાવ્યાં! મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના વાઇસ પ્રેસિડન્ટ કૌશલ ધુરી ચીનમાં બનેલા આ ડિવાઇસ સામે રોષે ભરાયા છે અને તેમણે જણાવ્યું હતું કે લોકોએ ચીનમાં બનેલાં ઑક્સિમીટર્સ ખરીદવાં ન જોઈએ.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં ધુરીએ જણાવ્યું હતું કે ‘મેડિકલ ઉપકરણ વેચવાના ઓઠા હેઠળ ઘણો બિનભરોસાપાત્ર ચાઇનીઝ માલસામાન વેચવામાં આવે છે. આ ઉપકરણો લોકોના જીવન સાથે રમત કરી રહ્યાં છે, આથી એનો વિશ્વાસ કરી શકાય નહીં. હું લોકોને ચાઇનીઝ બનાવટનાં ઑક્સિમીટર્સ ન ખરીદવાની અપીલ કરું છું, કારણ કે મેં ખરીદેલું ડિવાઇસ પેન્સિલનું પણ ઑક્સિજન-લેવલ અને હાર્ટ-બીટ દર્શાવે છે. આવું ઑક્સિમીટર કોઈકનો જીવ જોખમમાં મૂકી શકે છે.’

ધુરીએ પંદરેક દિવસ અગાઉ ૧૮૦૦ રૂપિયામાં આ ઑક્સિમીટર ખરીદ્યું હતું. સામાન્યપણે પલ્સ ઑક્સિમીટર્સની કિંમત ૮૦૦થી ૪૦૦૦ રૂપિયા જેટલી હોય છે.

હવે ધુરી અન્ય લોકોને બનાવટી ઑક્સિમીટર વિશે જણાવવા માટે પેન્સિલનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે આ ડિવાઇસ પેન્સિલ પર ભરાવતાં કેવી રીતે એ નાડીના ધબકારા અને ઑક્સિજન- લેવલનું રીડિંગ કરે છે એનો વિડિયો પણ બનાવ્યો છે. આ વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર લોકો સાથે શૅર કરવામાં આવી રહ્યો છે.

coronavirus covid19 ranjeet jadhav mumbai mumbai news andheri