11 September, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહન પારેખ
જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં મંગળવારે યોજાયેલી નરેન્દ્ર મોદીની ઇવેન્ટ પહેલાં સોમવારે જિયો વર્લ્ડ પ્લાઝામાં પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO)નો કર્મચારી હોવાનું નકલી આઇડેન્ટિફિકેશન (ID) કાર્ડ બતાવીને પ્રવેશવા બદલ પકડાયેલા ૨૪ વર્ષના રોહન પારેખનું કહેવું છે કે તેણે આ બધું પોતાના પરિવારને ઇમ્પ્રેસ કરવા માટે કર્યું હતું. આ મામલે રોહન ઉપરાંત તેના ૪૯ વર્ષના બૉડીગાર્ડ દિલીપ કુંડેને પોલીસે તાબામાં લીધો છે.
રોહનની પૂછપરછ કરનારા તપાસકર્તાઓએ ગુરુવારે જણાવ્યા અનુસાર પૂછપરછ દરમ્યાન રોહને દાવો કર્યો હતો કે તેણે આ બધું પોતાના પરિવારને ઇમ્પ્રેસ કરવા માટે કર્યું હતું, પોતે PMO સાથે જોડાયેલો છે અને કંઈક મહત્ત્વપૂર્ણ કામ કરી રહ્યો છે એવો વિશ્વાસ પરિવારને અપાવવા માગતો હોવાથી તેણે આ કારસ્તાન કર્યું હતું. જોકે તપાસકર્તાઓ રોહનના જવાબથી સંતુષ્ટ નથી અને તેનો ખરો ઉદ્દેશ શું હતો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રોહને તેનું ID કાર્ડ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રોહનનો પરિવાર એક મોટી સ્ટૉકબ્રોકિંગ ફર્મ ધરાવે છે અને પૂનમ ચેમ્બર્સમાં તેમની ઑફિસ છે.
બુધવારે ક્રાઇમ બ્રાન્ચે રોહનના પપ્પા પ્રેમલ પારેખની ૩ કલાક સુધી પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું હતું કે રોહનને ક્યારેય PMO ઑફિસમાંથી જૉબ માટેના ઈ-મેઇલ મળી નથી. આ નિવેદન અગાઉ રોહનના વકીલે આપેલા નિવેદનથી તદ્દન વિરુદ્ધ હોવાથી પોલીસે સત્ય જાણવા વધુ તપાસ શરૂ કરી છે. રોહનના વકીલે કહ્યું હતું કે PMOમાંથી તેને નોકરી માટે ઈ-મેઇલ આવી હોવાથી તે આ નોકરીને સાચી માનતો હતો, પણ તેની સાથે છેતરપિંડી થઈ છે.
ઉલ્લેખનીય છે કે આ મામલે રોહન અને દિલીપ કુંડેને આજ સુધીની પોલીસ-કસ્ટડી ફટકારવામાં આવી હતી. આ બન્ને સાથે રહેલા ત્રીજા પ્રથમેશ બાગુલે પણ એ દિવસે જિયો વર્લ્ડ પ્લાઝામાં પ્રવેશ કર્યો હતો. જોકે હજી સુધી તે પોલીસના હાથમાં આવ્યો નથી. પોલીસ તેને શોધીને તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે.