ચોરાયેલી રિસ્ટવૉચ ૩૨ વર્ષે પાછી મળી

25 November, 2014 03:02 AM IST  | 

ચોરાયેલી રિસ્ટવૉચ ૩૨ વર્ષે પાછી મળી




ખુશાલ નાગડા અને સપના દેસાઈ


ચોરી થયેલી વસ્તુ પાછી મળશે એવી બે-ચાર વર્ષ બાદ માણસ આશા છોડી દે અને ત્યાર બાદ છેક ૩૨ વર્ષે ચોરી થયેલી એ વસ્તુ પાછી મળે ત્યારે માણસ ખુશ થાય કે પછી પોલીસના આવા અજબ કારભાર સામે આશ્ચર્ય વ્યક્ત કરે? આવું જ કંઈક ડોમ્બિવલીના નવીન પોપટ વોરા સાથે થયું છે. તેમની ૧૯૮૨માં ચોરી થયેલી HMT ઘડિયાળ છેક ૩૨ વર્ષ બાદ પોલીસે તેમને પાછી કરી ત્યારે તેમને ખુશી થવાને બદલે આશ્ચર્ય જ થયું છે.

આજથી ૩૨ વર્ષ પહેલાં હાથમાં પહેરેલી HMTની ઘડિયાળ ચોરી થયા બાદ હાથમાં ઘડિયાળ પહેરવાનું છોડી દેનારા ૫૭ વર્ષના નવીનભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને ૩ નવેમ્બરે લખાયેલો એક લેટર શેતાનનગર પોલીસ-ચોકીમાંથી આવ્યો હતો અને એમાં લખવામાં આવ્યું હતું કે તમારી ૧૯૮૨માં ચોરી થયેલી ઘડિયાળ લેવા માટે તમારે ૧૯ નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનું છે. પોલીસનો લેટર વાંચ્યા બાદ એક જ આંચકો લાગ્યો કે જે ઘડિયાળ મને પાછી મળશે એવી આશા પણ મેં છોડી દીધી હતી એને ૩૨ વર્ષે પાછી લેવા માટે કોર્ટમાં બોલાવવામાં આવે છે. પોલીસના લેટર બાદ ઘડિયાળ લેવા જવાની મારી કોઈ ઇચ્છા જ નહોતી, પણ પરિવારજનો સહિત મિત્રોએ મારા પર દબાણ લાવતાં હું નાછૂટકે કમને સેશન્સ કોર્ટમાં ગયો હતો જ્યાં થોડી સુનાવણી બાદ મારી ઘડિયાળ મને પાછી કરવામાં આવી હતી.’ બ્રીચ કૅન્ડીમાં એક જાણીતી ફર્મમાં નોકરી કરતા નવીનભાઈએ કહ્યું હતું ‘પોલીસના આવા અંધેર કારભાર સામે શું બોલવું એની કંઈ ખબર જ નથી પડતી. પોલીસના આવા કારભાર સામે હું તો શું કોર્ટ પણ ચોંકી ગઈ હતી. સુનાવણી દરમ્યાન જજે એવું પણ કહ્યું કે પોલીસના આવા કારભારને કારણે કોર્ટનું નામ બદનામ થઈ રહ્યું છે, અમારી વિશ્વસનીયતા સામે શંકા ઊભી થાય છે. પોલીસને ફિટકાર બાદ તેમણે મને ઘડિયાળ પાછી કરી હતી.’

ઘડિયાળ પાછી મળશે એવી આશા છોડી દીધી હતી એવું બોલતાં નવીનભાઈએ કહ્યું હતું કે ‘લગભગ ૧૯૮૧માં મારાં લગ્ન થવાનાં હતાં એટલે મેં આ ઘડિયાળ ખરીદી હતી. એ સમયે HMTની જનતા બ્રૅન્ડ લોકોમાં બહુ ફેમસ હતી. લગભગ ૬૭૦ રૂપિયામાં એ ઘડિયાળ ખરીદી હતી. એકાદ વર્ષ સુધી મેં ઘડિયાળ હાથમાં પહેરી હતી, પણ ચોરી થયા બાદ ઘડિયાળ પહેરવાનું જ છોડી દીધું અને હવે તો HMT કંપની પણ બંધ થઈ રહી છે. એટલે હવે ઘડિયાળના સર્વિસિંગ દરમ્યાન જો કોઈ એનો ઓરિજિનલ પાર્ટ ખરાબ થઈ ગયો હશે તો એ પાછો મળશે કે નહીં એ સવાલ છે, પણ જો ઘડિયાળ રિપેર થઈ જાય તો હું એને ફરીથી મારા હાથમાં હોંશે-હોંશે પહેરવાનું શરૂ કરી દઈશ.’

૩૨ વર્ષ પહેલાં કઈ રીતે ઘડિયાળની ચોરી થઈ હતી એ બાબતે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘વર્ષો પહેલાં હું દાદરમાં રાનડે રોડ પર આવેલા પોપટલાલ બિલ્ડિંગમાં રહેતો હતો અને નીચે ગ્રાઉન્ડ ફલોર પર મારી દુકાન હતી. લગભગ ૧૯૮૨માં પોલીસોનું કોઈ આંદોલન થયું હતું અને એ સમયે દુકાનો ફટાફટ બંધ થવા માંડી હતી અને લૂંટફાટ શરૂ થઈ ગઈ હતી. એટલે મેં પણ તરત મારી દુકાન બંધ કરી દીધી હતી અને ઉપરના માળે આવેલા મારા ઘરે જવા બિલ્ડિંગનો દાદરો ચડી રહ્યો હતો ત્યારે અમારા જ એરિયાના એક નામચીન ગુંડાએ મારા ખિસ્સામાં પૈસા લેવા માટે હાથ નાખ્યો હતો, પણ તેને પૈસા નહીં મળતાં તેને મારા હાથમાં રહેલી ઘડિયાળ દેખાઈ જતાં એ ખેંચીને તે ભાગી છૂટ્યો હતો. જોકે એ જ દિવસે રાતના પોલીસના હાથે પકડાઈ ગયો હતો. કોર્ટમાં કેસ ચાલ્યો એ દરમ્યાન તેણે ગુનો કબૂલ કરી લીધો હતો અને ૧૯૮૩ની ૨૦ ઑક્ટોબરે ઘડિયાળ એના મૂળ માલિકને એટલે કે મને પાછી કરી દેવા માટે કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો. ચુકાદા બાદ એકાદ-બે વાર હું પોલીસ પાસે ઘડિયાળ લેવા ગયો હતો, પણ પછી આવો એવું કહ્યું. ત્યાર બાદ હું પણ દાદરથી ડોમ્બિવલી શિફ્ટ થઈ ગયો હતો એટલે મેં પણ પોલીસના નાદે કોણ ચડે એમ સમજીને ઘડિયાળના નામનું નાહી નાખ્યું હતું. ચુકાદા બાદ તો આરોપી પણ દસ-બાર વર્ષે મરી ગયો હતો, છતાં પોલીસના પેટનું પાણી પણ હલ્યું નહોતું.’