મિત્રની હત્યા કરીને શરણાગતિ સ્વીકારવા માટે ત્રણ-ત્રણ પોલીસ-સ્ટેશને જવું પડ્યું

21 November, 2014 05:57 AM IST  | 

મિત્રની હત્યા કરીને શરણાગતિ સ્વીકારવા માટે ત્રણ-ત્રણ પોલીસ-સ્ટેશને જવું પડ્યું

આરોપી મગદુલ સરદાર અલી (૩૦)એ પહેલાં ગોવંડીના શિવાજીનગર પોલીસ-સ્ટેશનમાં હાજર થઈ મલાડ (ઈસ્ટ)માં પોતાના મિત્રની હત્યા કરવા બદલ શરણાગતિ સ્વીકારી હતી, પરંતુ તેની ધરપકડ કરવાને બદલે શિવાજીનગર પોલીસ-સ્ટેશને તેને દિંડોશી પોલીસ-સ્ટેશને મોકલ્યો હતો કારણ કે ગુનો એ પોલીસ-સ્ટેશનના વિસ્તારમાં થયો હતો. દિંડોશી પોલીસ-સ્ટેશને પણ તેને હાંકી કાઢ્યો હતો અને આખરે કુરાર વિલેજ પોલીસ-સ્ટેશને આરોપીની ધરપકડ કરી હતી. શિવાજીનગરમાં રહેતો મગદુલ દરજી છે અને ગોવંડી રહે છે. તેના જણાવ્યા મુજબ તેણે તેના પ્રિય મિત્રની ઑગસ્ટ મહિનામાં મલાડ(ઈસ્ટ)માં હત્યા કરી શબ નાળામાં  ફેંકી દીધું હતું.

કુરાર પોલીસ-સ્ટેશનના  સિનિયર ઇન્સ્પેક્ટર જયચન્દ્રા કાથેએ કહ્યું હતું કે ‘આરોપી એવો દાવો કરે છે કે તેણે પોતાના મિત્રની હત્યા કરી શબ કુરાર વિલેજ વિસ્તારના નાળામાં ફેંકી દીધું હતું, પરંતુ ઑગસ્ટ મહિનામાં નાળામાંથી મૃતદેહ મળ્યાનો અમારા રેકૉર્ડમાં ઉલ્લેખ નથી. આરોપીના કબૂલાતનામા પછી અમે તેની ધરપકડ કરી છે અને તેના જણાવ્યા મુજબ અમે નાળામાં તપાસ કરી છે, પરંતુ અમને કંઈ હાથ લાગ્યું નથી. આરોપીએ જે સ્થળ જણાવ્યું ત્યાં તપાસ કરવા અમે એક ટીમ બનાવી છે. અમને ખાતરી નથી કે આરોપી સાચું બોલે છે. આરોપીએ સૌપ્રથમ શિવાજીનગરમાં શરણાગતિ સ્વીકારી હતી અને બાદમાં અમને સોંપવામાં આવ્યો હતો. અમે ઘટનાની વધુ તપાસ કરી રહ્યા છીએ.’