મુંબઇના મૉલ્સ અને મલ્ટીપ્લેક્સ 24x7 ચાલુ રહેશે

22 January, 2020 06:24 PM IST  |  Mumbai | Dharmendra Jore

મુંબઇના મૉલ્સ અને મલ્ટીપ્લેક્સ 24x7 ચાલુ રહેશે

પ્રતિકાત્મક તસવીર

મુંબઇ હવે 27 જાન્યુઆરીથી નાઇટલાઇફનો લ્હાવો ઇચ્છે ત્યાં સુધી માણી શકશે જો કે શરાબનાં શોખીનોને રાત્રે 1.30 પછી આલ્કોહોલ નહીં મળે. આદિત્ય ઠાકરેનાં મુંબઇ 24 પ્રોજેક્ટને  કેબિનેટે મંજુરી આપી છે જે અંતર્ગત 27મી જાન્યુઆરીથી મૉલ્સ અને મલ્ટીપ્લેક્સીઝ 24x7 ચાલુ રહેશે પણ જે રેસ્ટોરન્ટ્સ કે પબ આલ્કોહોલ વેચતા હશે તે દોઢ વાગ્યા સુધી જ ચાલુ રહી શકશે.

મહારાષ્ટ્રની કેબિનેટે મુંબઇ 24ના પાઇલોટ પ્રોજેક્ટ  પર મંજુરીની મહોર મારી દીધી છે. ટુરિઝમ મિનિસ્ટર આદિત્ય ઠાકરેએ આ પ્રોજેક્ટની રજૂઆત બુધવારે કરી હતી. આ પાઇલોટ પ્રોજેક્ટ બંધ એટલે કે ગેટેડ પ્રિમાઇસ અને વ્યવસાઇ વિસ્તારો જેમ કે ફોર્ટ, વર્લી, બીકેસી જેવા વિસ્તારોમાં લાગુ કરાશે જ્યાં રહેણાક વિસ્તારનું પ્રમાણ ઘણું ઓછું છે. સિટી પોલીસ અને પોલીસ કમિશનર્સ મળીને નિર્ણય કરશે કે શહેરનાં કયા બિઝનેસ એરિયાઝ અને મિલ્સની જમીનો પર નાઇટ લાઇફની પરવાનગી આપવી. આદિત્ય ઠાકરે અને હોમ મિનીસ્ટર અનિલ દેશમુખે મહા વિકાસ અઘાડી સરકારની સાપ્તાહિક કેબિનેટ બેઠક પછી આ અંગે જાહેરાત કરી હતી. ઠાકરેએ જણાવ્યું કે આ યોજના રોજગારીની તકો ખડી કરશે અને એકવાર મુંબઇમાં પાઇલોટ સફળતાથી પાર પડશે પછી બીજા વિસ્તારોમાં પણ લાગુ કરી શકાશે.

દેશમુખ શરૂઆતમાં આ પ્રોજેક્ટ અંગે કચવાતા હતા પણ બાદમાં તેની મર્યાદા નિયત થઇ હોવાનું જાણ્યું પછી તેમણે આ પ્રોજેક્ટને ટેકો આપતા કહ્યું કે આમ હશે તો પોલીસની જવાબદારી વધી નહીં જાય. વળી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે  નાઇટલાઇફનાં આ પ્રોગ્રામમાં શરાબનાં વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. જ્યાં આલ્કોહોલ વેચાય છે તે સ્થળો રાત્રે 1.30 પછી ખુલ્લા નહીં રહી શકે.

વિરોધ પક્ષે આ પગલાનો વિરોધ કરીને કહ્યું હતુ કે બાળકબુદ્ધી ધરાવતા એક નેતાને કારણે આ નિર્ણય લેવાયો છે. અપર હાઉસનાં વિરોધ પક્ષનાં નેતા પ્રવીણ દારેકરે કહ્યું કે આ યોજનાને પગલે નહીં ધારેલી સમસ્યાઓ ખડી થશે.

shopping mall mumbai news aaditya thackeray