મલાડના હીરાદલાલને કોરોનાનું સંક્રમણ થતાં હૉસ્પિટલમાં દાખલ કરાયો

02 April, 2020 01:54 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

મલાડના હીરાદલાલને કોરોનાનું સંક્રમણ થતાં હૉસ્પિટલમાં દાખલ કરાયો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની હીરાબજારમાં દલાલી કરતા ગુજરાતી યુવકને કોરોનાના વાઇરસનું સંક્રમણ થયા બાદ તેની ટેસ્ટ પૉઝિટિવ આવતાં તેને મંગળવારે રાત્રે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયો હતો અને તેના પરિવારજનોને ક્વૉરન્ટીનમાં રખાયા હોવાનું જાણવા મળ્યું હતું. સોમવારે ૩ ડાયમન્ડ વ્યવસાયીને કોરોનાનું સંક્રમણ થયાનું જાણવા મળ્યા બાદ એક કેસ નોંધાતાં હીરાબજારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ૧૦ દિવસ પહેલાં બીકેસી અને મલાડની હીરાબજાર બંધ કરી દેવાઈ હતી, પરંતુ કોરોનાનાં લક્ષણો અમુક સમય બાદ જ દેખાતાં હોવાથી હવે આવા કેસ બહાર આવી રહ્યા હોવાથી પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મલાડ-ઈસ્ટમાં અપર ગોવિંદ નગરમાં આવેલી એક સોસાયટીમાં મૂળ ભાવનગર જિલ્લાના એક ગામનો વતની એવો એક કાઠિયાવાડી પરિવાર રહે છે. આ પરિવારના પુત્ર જે હીરાદલાલીનું કામકાજ કરે છે તેને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હોવાની શંકા હતી એટલે તેની ટેસ્ટ કરાવી હતી જે પૉઝિટિવ આવી હતી.

આથી મંગળવારે રાત્રે આ યુવકને ઍમ્બ્યુલન્સમાં બેસાડીને દક્ષિણ મુંબઈની એક હૉસ્પિટલમાં લઈ જવાયો હોવાનું જાણવા મળ્યું હતું. યુવકનાં માતા-પિતા, પત્ની અને એક સંતાનને પણ કોરોના વાઇરસનું ઇન્ફેક્શન લાગવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેમને ક્વૉરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ પરિવાર પહેલા મીરા રોડમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

બધાના ગયા બાદ આખા બિલ્ડિંગને સીલ કરીને સૅનિટાઇઝ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. કાઠિયાવાડી પરિવાર સિવાયના અન્ય લોકોને પણ ૧૪ દિવસ હોમ ક્વૉરન્ટીનમાં રહેવાની સૂચના અપાઈ છે. તેમને કોઈ પણ વસ્તુની જરૂર હશે તો પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવશે.

હીરાબજાર સાથે સંકળાયેલાઓમાં કોરોનાને લીધે અઠવાડિયા પહેલાં એક જૈન વેપારીનું મૃત્યુ થયા બાદ વધુ ને વધુ મામલા બહાર આવી રહ્યા હોવાથી આવા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

mumbai mumbai news malad coronavirus covid19 prakash bambhrolia