ભારતને આત્મનિર્ભર બનાવો, લોકલ દુકાનમાંથી ખરીદી કરો

20 October, 2020 11:06 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ભારતને આત્મનિર્ભર બનાવો, લોકલ દુકાનમાંથી ખરીદી કરો

પ્રતીકાત્મક તસવીર

ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર (ફામ) દ્વારા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને ગ્રાહકોને વિનંતી કરતી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશમાં ફામ દ્વારા દરેક સોશ્યલ પ્લૅટફૉર્મના માધ્યમથી મુંબઈ અને મહારાષ્ટ્રના ગ્રાહકોને વિનંતી કરવામાં આવી રહી છે. એ અનુસાર તહેવારોની શરૂઆત થઈ હોવાથી તહેવારોમાં દરેક વસ્તુઓ સ્થાનિક દુકાનોથી ખરીદવી. અમુક ડિસ્કાઉન્ટ લેવામાં લોકો ઑનલાઈન ખરીદી કરે છે. એથી એવું ન કરતાં સ્થાનિક વેપારીઓ, દુકાનદારોને સપોર્ટ કરીને તેમને એક નાગરિકત્વની ફરજ નિભાવીને ભારતને આત્મનિર્ભર બનાવવા વિનંતી કરવામાં આવી રહી છે. હાલમાં નવરાત્રી, એ બાદ દિવાળી, ક્રિસમસ વગેરે તહેવારો એક પછી એક ભારતભરમાં ઊજવવામાં આવશે.

કોરોના મહામારીના કારણે ઉજવણી મર્યાદિત હશે પરંતુ છતાં લોકો થોડી તો ખરીદી કરવાના જ છે. એથી ઑનલાઈન ડિસ્કાઉન્ટ મેળવવા કરતાં સ્થાનિક દુકાનદારો કે વેપારીઓ પાસેથી ખરીદી કરે તો તેમને એક રીતે ગ્રાહકોનો સપોર્ટ મળશે એમ કહેતાં ફામના અધ્યક્ષ વિનેશ મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોના મહામારીએ વેપારીઓ, દુકાનદારોની કેવી હાલત કરી છે એ સૌ કોઈને ખબર જ છે. સરકાર દ્વારા તો કોઈ સપોર્ટ મળ્યો નથી પરંતુ ગ્રાહકો પાસેથી તો અમે આશા રાખીએ છીએ. ગ્રાહકો આત્મનિર્ભર ભારત અને ‘બી ઇન્ડિયન બાય ઇન્ડિયન’ની વિચારધારણા રાખીને સપોર્ટ માટે આગળ આવે. એથી અમે ગઈ કાલથી સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને એક ઝુંબેશ હાથ ધરી છે.

જેમાં વિવિધ અસોસિએશન, રિટેલના વેપારીઓ, સર્કલ, સગાંસંબંધી, મિત્રો એમ વાયા-વાયા દરેકના મોબાઈલમાં ફામનો મેસેજ પહોંચી શકે એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. ગઈ કાલે પહેલાં જ દિવસે અંદાજે પચાસ હજાર જેટલા લોકોને આ મેસેજ મળ્યા હોઈ શકે છે. કોરોનાના કારણે ધંધા ઠપ હોવાથી વેપારીઓ હેરાન થઈ ગયા છે એથી આગામી તહેવારોમાં લોકો સ્થાનિક દુકાનદારો, વેપારીઓને ત્યાંથી ખરીદી કરે તો તેમને આર્થિક રીતે એક મોટો સપોર્ટ મળી શકે છે. તેમ જ તેમને એક રીતે નવજીવન મળી શકે છે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown