મુંબઈ: જમીન હડપ કરવાના કેસમાં બે એસીપીને સસ્પેન્ડ કરાયા

02 October, 2020 07:43 AM IST  |  Mumbai | Samiullah Khan

મુંબઈ: જમીન હડપ કરવાના કેસમાં બે એસીપીને સસ્પેન્ડ કરાયા

એસીપી રૅન્કના અધિકારી સામે કાર્યવાહી કરવાની સત્તા મુંબઈ પોલીસ કમિશનર પાસે ન હોવાથી તેમણે હોમ ડિપાર્ટમેન્ટને કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

કરોડો રૂપિયાની જમીન હડપ કરવાના કૌભાંડમાં સંડોવણીના કથિત આરોપસર રાજ્યના ગૃહ મંત્રાલયે દહિસર પોલીસ-સ્ટેશન સાથે સંકળાયેલા અસિસ્ટન્ટ પોલીસ કમિશનર પ્રશાંત મર્દે અને સુશાંત સાવંતને ૨૨ સપ્ટેમ્બરે સસ્પેન્ડ કર્યા હતા. મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેએ આ કેસમાં ૧૬ ફેબ્રુઆરીએ દહિસર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંજીવ તાવડે, અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર આનંદ જાધવ તેમ જ સબ-ઇન્સ્પેક્ટર્સ કાકાસાહેબ શિંદે અને રેખા સાયકરને સસ્પેન્ડ કર્યાં હતાં.

બિલ્ડર જુડ રોમેલે (રોમેલ હાઉસિંગ એલએલપીના ડિરેક્ટર) ૨૦૧૦માં દ‌હિસર ચેકનાકા પાસે પૂજા પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસેથી ૩૬ કરોડ રૂપિયામાં ૭ એકર અને એન‌િ સાથેની ૯ એકર જમીન ૨૭ કરોડ રૂપિયામાં હોલેન્ટીન પ્રૉપર્ટી કંપની પાસેથી ખરીદી હતી. એ જમીનનો અમુક ભાગ કમરુદ્દીન શેખ નામની વ્યક્તિએ પચાવી પાડ્યો હતો. કહેવાય છે કે કમરુદ્દીનને એ જગ્યાનો કબજો છોડવા માટે રોમેલે મોટી રકમ ચૂકવી હતી, પરંતુ કમરુદ્દીને સ્થાનિક પોલીસ સાથે સાઠગાંઠ કરીને ફરી એ જમીન પર કબજો જમાવ્યો હતો. કમરુદ્દીને રોમેલ અને તેના સાથીને હુમલા અને લૂંટના ખોટા કેસમાં સંડોવતાં બન્નેએ ૨૦૧૮ના એપ્રિલ મહિનામાં ૫૦ દિવસનો જેલવાસ ભોગવ્યો હોવાનું કહેવાય છે. એ કેસમાં જામીન પર છૂટ્યા પછી રોમેલે મુંબઈ વડી અદાલતમાં અરજી કરીને ૬ પોલીસ જવાનો સામે સીબીઆઇ દ્વારા તપાસની માગણી કરી હતી.

૨૦૨૦ની ૧૪ ફેબ્રુઆરીએ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયે એ ૬ પોલીસ કર્મચારીઓ સામે સીબીઆઇ દ્વારા તપાસ યોજવાની પરવાનગી આપી હતી એથી ૧૬ ફેબ્રુઆરીએ પોલીસ કમિશનર સંજય બર્વેએ દહિસર પોલીસ-સ્ટેશનના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. સીબીઆઇએ ૨૦૧૯માં ફાઇલ કરેલી ચાર્જશીટમાં રોમેલ ઘટનાસ્થળે હાજર ન હોવા છતાં તેમને હુમલા અને લૂંટના કેસમાં સંડોવ્યા હોવાનો આરોપ મર્દે અને સાવંત સહિત ૬ પોલીસ અધિકારીઓ સામે મૂકવામાં આવ્યો હતો. એ ઘટના બાબતે ખોટો મેડિકલ રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો હોવાનું પણ ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું હતું.

સીબીઆઇએ કેસ નોંધ્યો એ વખતે સિનિયર ઇન્સ્પેક્ટર સુભાષ સાવંતને બઢતી આપીને અસિસ્ટન્ટ કમિશનર બનાવાયા હતા. કમિશનર સંજય બર્વેએ ફેબ્રુઆરીમાં ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. એ વખતે અસિસ્ટન્ટ કમિશનરના સ્તરના અધિકારીઓ સામે પગલાં લેવાનો કમિશનરને અધિકાર નહોતો એથી તેમણે બે અસિસ્ટન્ટ કમિશનર્સને સસ્પેન્ડ કરવાની ગૃહ મંત્રાલયને ભલામણ કરી હતી એથી ગૃહ મંત્રાલયે બે અસિસ્ટન્ટ કમિશનર્સને ૨૨ સપ્ટેમ્બરે સસ્પેન્ડ કર્યા હતા.

mumbai mumbai news samiullah khan dahisar Crime News mumbai crime news