મુંબઈના આગામી પોલીસ કમિશનર તરીકે પરમબીર સિંહનું નામ સૌથી આગળ

29 February, 2020 07:46 AM IST  |  Mumbai

મુંબઈના આગામી પોલીસ કમિશનર તરીકે પરમબીર સિંહનું નામ સૌથી આગળ

પરમબીર સિંહ

મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેની આજે મુદત પૂરી થાય છે અને તેમને આ વખતે કોઈ એક્સટેન્શન ન અપાયું હોવાથી આજકાલમાં નવા કમિશનરની જાહેરાત થવાની શક્યતા છે. આ પદ માટે અત્યારે ઍન્ટિ કરપ્શન બ્યુરોના ચીફ પરમબીર સિંહનું નામ સૌથી આગળ છે. રશ્મિ શુક્લ, સદાનંદ દાતે, હેમંત નગરાળ અને કે. વેન્કટેશમના નામની પણ ચર્ચા ચાલી રહી છે.

આઇએએસ-આઇપીએસ લૉબી અને સામાજિક તેમ જ રાજકીય સંગઠનોના પદાધિકારીઓમાં પરમબીર સિંહનું નામ સૌથી આગળ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે રાજ્યના ૭૦,૦૦૦ કરોડના સિંચાઈ ઘોટાળા મામલામાં મુખ્ય આરોપી અજિત પવારને ક્લીન ચીટ આપી હોવાથી પણ તેમને પ્રાથમિકતા અપાવાની શક્યતા જોવાઈ રહી છે.

૧૯૮૮ની આઇપીએસ બૅચના અધિકારી પરમબીર સિંહે એસીબીમાં પદ સંભાળતાં પહેલાં રજનીશ શેઠનું સ્થાન અને એ પહેલાં થાણેના કમિશનરપદે રહી ચૂક્યા છે. તેમની કારકીર્દિમાં ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરની ખંડણીના મામલામાં મુંબઈથી ધરપકડ કરાઈ હતી. ઇકબાલ કાસકર અત્યારે પણ જેલમાં છે. ઉપરાંત તેમણે નશીલા પદાર્થની હેરાફેરીનું ઇન્ટરનૅશનલ રૅકેટ પકડ્યું હતું. આ મામલામાં બૉલીવૂડની ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના પતિ સામે ફરિયાદ નોંધાઈ હતી.

ઉલ્લેખનીય છે કે મુંબઈના કમિશનર સંજય બર્વેની મુદત ૩૧ ઑગસ્ટ ૨૦૧૯માં પૂરી થઈ હતી, પરંતુ તેમને ત્રણ-ત્રણ મહિનાનું બે વખત એક્સટેન્શન અપાયું હતું. આ મુદત આજે પૂરી થઈ રહી છે. આથી તેમને સ્થાને ગૃહવિભાગ દ્વારા નવા કમિશનર નિયુક્ત કરવાની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે.

mumbai mumbai news mumbai police