મુંબઈ: 30 પ્રવાસીઓના જીવ ‌રિક્ષા-ડ્રાઇવરની સતર્કતાથી બચ્યા

18 January, 2020 09:55 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુંબઈ: 30 પ્રવાસીઓના જીવ ‌રિક્ષા-ડ્રાઇવરની સતર્કતાથી બચ્યા

ઘોડબંદર પાસે લક્ઝરી બસમાં આગ લાગતાં એ બળીને ખાખ થઈ ગઈ હતી.

મીરા રોડના વર્સોવા ગામ પાસે ગુજરાતથી થાણે જઈ રહેલી એક પ્રાઇવેટ લક્ઝરી સ્લીપર નૉન-એસી બસમાં અચાનક આગ લાગી હતી અને અમુક ‌મિનિટમાં જ આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. સદ્નસીબે વર્સોવા પુલ પર બસની પાછળ આવી રહેલી એક ‌રિક્ષાના ડ્રાઇવરે બસના પાછળના ભાગમાં આગ લાગી હોવાનું કહીને બસ-ડ્રાઇવરને સર્તક કરતાં બસના ૩૦ પ્રવાસીઓના જીવ બચી ગયા હતા.

મીરા રોડના વર્સોવા ગામ પાસે ગઈ કાલે સવારે ૭ વાગ્યે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેથી મીરા રોડ થઈને થાણેની ‌દિશામાં ફાઉન્ટન હોટેલ પાસેથી જઈ રહેલી એક સ્લીપર બસના ટાયર પાસે અચાનક આગ જોવા મળી હતી. એ વખતે ત્યાંથી પસાર થઈ રહેલી એક ‌રિક્ષાના ડ્રાઇવરે બસ-ડ્રાઇવરનું ધ્યાન દોર્યું હતું. ત્યાર બાદ ઘોડબંદર રોડ પર બસ-ડ્રાઇવર લાલા‌સિંગ રાઠોડે બસને ટોલનાકા પાસે રસ્તાની બાજુએ ઊભી કરી દીધી હતી અને બસના ગભરાઈ ગયેલા ૩૦ પ્રવાસીઓ જીવ મુઠ્ઠીમાં લઈને ઝડપથી નીચે ઊતરી ગયા હતા, પણ ત્યાં સુધી બસમાં આગ પ્રસરી ગઈ હતી.

આ પણ વાંચો : મુંબઈ : શહેરનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો

એ દરમ્યાન રિક્ષા-ડ્રાઇવરે ‌રિક્ષામાં રાખેલા આગ ઓલવવાના સાધનથી આગને ‌કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને બસ-ડ્રાઇવરે પણ બસમાંનાં બે સાધનથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે આખી બસને લપેટમાં લઈ લીધી હતી. જોકે બસની ‌ડિકીમાંનો પ્રવાસીઓનો સામાન ખાખ થઈ ગયો હતો. વર્સોવા પોલીસચોકી પાસેના ટ્રા‌ફિક પોલીસે મીરા-ભાઈંદર મહાનગરપા‌લિકાની ફાયરબ્રિગેડને જાણ કરી દીધી હતી અને ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો પણ ત્યાં સુધી આખી બસ સળગીને ખાખ ગઈ હતી. જોકે ‌રિક્ષા-ડ્રાઇવરની સમયસૂચકતાથી અનેક પ્રવાસીઓના જીવ બચી ગયા હતા. જોકે એ દરમ્યાન ટાફિક જૅમ થયો હતો.

mumbai mumbai news thane ghodbunder road