મુંબઈ: ડોમ્બિવલીમાં વર્ષો પછી મળી પાણીની લાઇન

10 June, 2020 08:17 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

મુંબઈ: ડોમ્બિવલીમાં વર્ષો પછી મળી પાણીની લાઇન

નવનીતનગરમાં બેસાડાયેલી પાણીની લાઇન.

ડોમ્બિવલી (ઈસ્ટ)માં દેસલપાડા નવનીતનગરમાં ૧૦ વર્ષ સુધી પાણીની લાઇન નહોતી. કચ્છી જૈન ફાઉન્ડેશન આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને મફતમાં તો અમુક લોકોને માત્ર ૧૦ કે ૨૦ ટકા રૂપિયા લઈને રહેવા માટે ઘર અપાયાં છે. અહીં અંદાજે એક હજારથી વધુ પરિવાર રહે છે. અનેક વર્ષોથી અહીં પીવાના પાણીની અછત હતી. વાપરવા કે પીવાનું પાણી ટૅન્કર દ્વારા મગાવવામાં આવતું હતું. કચ્છી જૈન ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ દ્વારા પાણીની સમસ્યા પાલક પ્રધાન એકનાથ શિંદે અને સંસદસભ્ય ડૉ. શ્રીકાન્ત શિંદે સમક્ષ મૂકવામાં આવી હતી. તેઓ દ્વારા આશ્વાસન મળ્યું હતું કે રહેવાસીઓની પાણીની સમસ્યા વહેલી તકે દૂર કરીશ઼ું અને આજે કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં પણ પ્રશાસને પોતાનું વચન પાળ્યું અને રહેવાસીઓને ૬ જૂનથી પાણી મળવા લાગ્યું. પીવાના પાણીની સમસ્યા દૂર થવાથી હજારો પરિવારોના લોકોની આંખોમાં હર્ષનાં આંસુ છલકાઈ આવ્યાં હતાં.

આ બાબતે કચ્છી જૈન ફાઉન્ડેશનના સભ્ય પીયૂષ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પંદરમી ઑગસ્ટે અમે ‘એક શામ વતન કે નામ’ નામનો એક પ્રોગ્રામ કર્યો હતો, જેમાં ડૉ. શ્રીકાન્ત શિંદેએ કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે તેઓ સમક્ષ અમે પાણીની સમસ્યા બાબતે વાત કરી હતી. તેમણે અમને વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરશે એવું વચન આપ્યું હતું. એ પછી હું અને જૈન ફાઉન્ડેશનના ટ્રસ્ટી દીપક ભેદા ફૉલોઅપ લેતા હતા. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના કમિશનર વિજય સૂર્યવંશી, કાર્યકારી અભિયંતા પાણી પુરવઠાના રાજીવ પાઠક તેમ જ ઉપઅભિયંતા વિજય પાટીલ વગેરેના સહયોગથી મ્યુનિસિપાલિટી પાસેથી નવનીતનગર માટે ત્રણ ઇંચની પાણીની લાઇન સૅન્ક્શન કરાવવામાં આવી હતી. ૬ જૂનથી રહેવાસીઓને પાણી મળી જતાં નવનીતનગરમાં આનંદની લહેર દોડી ગઈ હતી.’

urvi shah-mestry mumbai mumbai news dombivli coronavirus covid19 lockdown