મુંબઈ : ફી નહીં ચૂકવવાની ઑનલાઇન ઇફેક્ટ

05 June, 2020 08:04 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ : ફી નહીં ચૂકવવાની ઑનલાઇન ઇફેક્ટ

ઘણી સ્કૂલોએ ઑનલાઇન ક્લાસ શરૂ કર્યા છે. પ્રતીકાત્મક તસવીર : પી.ટી.આઇ.

લૉકડાઉન દરમિયાન જ્યારે ઑનલાઇન શિક્ષણને વધાવી લેવાયું છે ત્યારે એક નવી સમસ્યા સપાટી પર આવી છે. વર્ચ્યુઅલ શિક્ષણની સ્થિતિમાં પણ ફીની બાકી રહી ગયેલી ચુકવણી વાલીઓ અને શાળાના મૅનેજમેન્ટ વચ્ચે તકરારનું નિમિત્ત બની રહી છે. આવો એક બનાવ ધ્યાનમાં આવ્યો હતો, જ્યારે કાંદિવલીની ઑક્સફર્ડ સ્કૂલમાં અભ્યાસ કરી રહેલાં બાળકોનાં માતા-પિતાઓએ ફીની ચુકવણી ન થતાં તેમનાં બાળકોને ઑનલાઇન લર્નિંગ ગ્રુપમાંથી હટાવી દેવાયાં હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ શાળાએ આવા માતા-પિતાઓને ફી ચૂકવવા માટે વધુ સમય આપવાનો નિર્ણય કર્યો છે, એની સાથે-સાથે તેણે ફીની પૂરેપૂરી ચુકવણી વિના વેતનો ચૂકવવા પડતાં હોવાની એની નાણાકીય સમસ્યાઓ રજૂ કરી હતી.

શહેરની અન્ય ઘણી શાળાઓની માફક ઑક્સફર્ડ સ્કૂલનું શૈક્ષણિક વર્ષ ત્રીજી જાન્યુઆરીએ શરૂ થયું હતું, પરંતુ નવા શૈક્ષણિક વર્ષની જાહેરાત સાથે માતા-પિતાને શાળામાંથી એ સંદેશો આપવામાં આવ્યો હતો કે જેમણે હજી સુધી ગયા નાણાકીય વર્ષ માટેની પૂરી ફી ન ચૂકવી હોય, તેમનાં બાળકો ઑનલાઇન વર્ગો ભરી શકશે નહીં. એના કારણે ફી ચૂકવવામાં પાછળ રહી ગયેલા ઘણા વાલીઓમાં તણાવ સર્જાયો હતો.

એક વાલીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘અત્યારે આપણે સૌ અભૂતપૂર્વ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. બાકીની ફી ચૂકવવા માટે વધુ સમય આપવા શાળાનો સંપર્ક કર્યો હતો, છતાં મારી પુત્રીને ઑનલાઇન શિક્ષણ મેળવી રહેલા જૂથમાંથી બહાર કાઢી નાખવામાં આવી છે.’ નારાજ વાલીઓએ મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાને ફરિયાદ કરી હતી અને પછી શિક્ષણ ઇન્સ્પેક્ટરને આ વિશે ફરિયાદ કરવામાં આવી હતી. દરમ્યાન સ્કૂલના ટ્રસ્ટી અવિનાશ જાધવે કહ્યું હતું કે અમે આ બાબત પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. જો વાલીઓને ખરેખર સમસ્યા હશે તો અમે તેમને વધુ સમય આપીશું. દરમ્યાન તેમનું બાળક અભ્યાસ કરી શકશે. અમે આર્થિક સંકડામણ સમજી શકીએ છીએ, પરંતુ સ્કૂલ પણ મુશ્કેલી અનુભવી રહી છે.

pallavi smart mumbai mumbai news kandivli cyclone nisarga coronavirus covid19 lockdown