વાળ કાપવા દેવાનું મુરત ક્યારે?

10 June, 2020 08:17 AM IST  |  Mumbai | Anurag Kamble

વાળ કાપવા દેવાનું મુરત ક્યારે?

સલુન- પ્રતીકાત્મક તસવીર

મિશન બિગિન અગેઇનના ભાગરૂપે વેપાર-ધંધાની અનેક પ્રવૃત્તિઓ સાથે સલૂન્સ અને પાર્લર્સ શરૂ કરવાની છૂટ નહીં આપવા સામે રોષ વ્યક્ત કરવા હેર-સ્ટાઇલિસ્ટનાં સંગઠનોએ આજે આંદોલન અને વિરોધ-પ્રદર્શનનું આયોજન કર્યું છે. લૉકડાઉનના ૭૦ દિવસમાં નાના-મોટા ૧૦ લાખ કરતાં વધારે વાળંદોએ ઘણી હાલાકી સહન કરી હોવાની ફરિયાદ સાથે સલૂન ઍન્ડ બ્યુટી પાર્લર અસોસિયેશનનું મુંબઈ-ચૅપ્ટર આંદોલન કરી રહ્યું છે. આંદોલનરૂપે આજે તેઓ આખો દિવસ તેમની દુકાનની બહાર બાવડા પર કાળી પટ્ટી પહેરીને બેસી રહેશે.

મુંબઈ સલૂન ઍન્ડ બ્યુટી પાર્લર અસોસિએશનના મંત્રી પ્રકાશ ચવાણે જણાવ્યું હતું કે ‘સરકારે હવે અમને કામ કરવાની છૂટ આપવી જોઈએ. અન્ય દુકાનદારોની માફક લાખો સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ ઘણું નુકસાન સહન કર્યું છે, પરંતુ આજે સામાન્ય રીતે જોતાં અમારા સિવાય બધાએ ધંધાદારી કામકાજ શરૂ કરી દીધું છે. આવું નુકસાન સહન કરી શકીએ એવાં અમારાં ઇન્વેસ્ટમેન્ટ કે બચત નથી. અમે ભાંગી પડવાની તૈયારીમાં છીએ એથી અમને આંદોલન કરવાની ફરજ પડી છે.’

અસોસિએશને આપેલી માહિતી પ્રમાણે મુંબઈમાં ૧૦ લાખ કરતાં વધારે લોકો હેર-સ્ટાઇલિંગના વ્યવસાયમાં છે. લૉકડાઉન જાહેર થયા પછી એ બધાને એક રૂપિયાની આવક નથી. દેશનાં અનેક રાજ્યોમાં કેટલાંક નિયંત્રણો વચ્ચે સલૂન અને પાર્લરની પ્રવૃત્તિઓ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ મહારાષ્ટ્રમાં એવી છૂટ અપાઈ નથી. સંગઠને રોગચાળાને કારણે સૅનિટાઇઝેશન તથા અન્ય ઉપાયોના ખર્ચને પહોંચી વળવા માટે વાળ કાપવા તથા દાઢી કરવાના ભાવ વધારવાની માગણી પણ કરી છે.

નુકસાન સહન કરી શકીએ એવાં અમારાં ઇન્વેસ્ટમેન્ટ કે બચત નથી. અમે ભાંગી પડવાની તૈયારીમાં છીએ એટલે આંદોલન કરવાની ફરજ પડી છે.

- પ્રકાશ ચવાણ, મુંબઈ સલૂન ઍન્ડ બ્યુટી પાર્લર અસોસિએશનના સેક્રેટરી

anurag kamble lockdown mumbai mumbai news coronavirus