Mumbai Local Update: રાજેશ ટોપેનું નિવેદન, આ લોકોને મળી શકે છે લોકલમાં જવાની છૂટ

21 October, 2021 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના કેસમાં ઘટાડા બાદ મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં જ મુંબઇ લોકલ અને મૉલ્સમાં વેક્સિનના એક ડૉઝ મેળવી ચૂકેલા લોકોને પણ પરવાનગી આપવાની યોજના બનાવી રહી છે. 

ફાઇલ તસવીર

કોરોનાની બીજી લહેરનો કેર ઘટ્યા બાદ લગભગ બધા રાજ્યોમાં લૉકડાઉન પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં પણ લૉકડાઉન પ્રતિબંધોમાં ધીમે-ધીમે ઘણી છૂટ આપવામાં આવી ચૂકી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તરફથી મંગળવારે જાહેર તાજેતરના નિર્ણયમાં રેસ્ટોરન્ટને રાતે 12 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની છૂટ આપવામાં આવી, ત્યારે દુકાનો પણ હવે રાતે 11 વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે. સરકારે તહેવારની સીઝનને જોતાં આ નિર્ણય લીધો છે.

આ બધાની વચ્ચે મુંબઇકરને સૌથી વધારે ઇંતેજાર મુંબઇ લોકલમાં પ્રવાસ કરવાને લઈને થઈ રહ્યો છે. મુંબઇ લોકલમાં હાલ માત્ર વેક્સિનના બન્ને ડૉઝ મેળવી ચૂકેલા લોકોને જ પ્રવાસ કરવાની છૂટ છે. ગયા રવિવારે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જાહેરાત કરી કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ મુંબઇ લોકલ ટ્રેન અને મૉલ્સમાં વેક્સિનના એક ડૉઝ મેળવી ચૂકેલા લોકોને પણ પ્રવાસ કરવાની પરવાનગી આપવા પર યોજના બનાવી રહી છે. રાજેશ ટોપેનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે મુંબઇમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જણાવવાનું કે મુંબઇમાં 26 માર્ચ, 2020 પછી રવિવારે પહેલી વાર કોરોનાથી કોઇનું પણ નિધન થયું નહોતું.

MumbaiLiveના રિપૉર્ટ પ્રમાણે, વેક્સિનના સિંગલ ડૉઝ લીધેલા લોકોને પ્રવાસ કરવાની પરવાનગી આપવા માટે મહારાષ્ટ્ર સરકાર રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સ અને સીનિયર અધિકારીઓની બેઠકમાં આ મુદ્દે વાત કરશે. જો કે, અંતિમ નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) દિવાળી પછી લેશે.

ઉલ્લેખનીય છે કે મુંબઇ લોકલમાં વેક્સિનના બન્ને ડૉઝ મેળવી ચૂકેલા લોકોને 15 ઑગસ્ટથી પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી હતી. સરકાર તરફથી જાહેર આદેશ પ્રમાણે, વેક્સિનનો બીજો ડૉઝ લીધાના 15 દિવસ પછી તમે લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકાશે.

તો મહારાષ્ટ્રમાં બુધવારે કોવિડ-19ના 1825 નવા કેસ સામે આવતાંની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 6596645 થઈ ગઈ. તો, 21 વધુ રોગીઓના નિધન થવાથી મૃતકોની સંખ્યા વધીને 1,39,866 થઈ છે. રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 25,728 છે.

Mumbai mumbai news mumbai local train mumbai trains