Mumbai: વરસાદને કારણે રેલવેએ આ રૂટ્સ પર કેન્સલ કરી લોકલ ટ્રેન 

12 June, 2021 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઇમાં સતત થતા વરસાદને કારણે લોકોની હાલત ખરાબ થઈ રહી છે. તો રેલવે ટ્રેક પર પણ પાણી ભરાઇ જવાને કારણે સેન્ટ્રલ રેલવેએ આ રૂટ્સ પર લોકલ ટ્રેન કેન્સલ કરી દીધી છે. 

તસવીર સૌજન્ય મિડ-ડે

મુંબઇમાં થતા વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ટ્રેક પર પાણી ભરાઇ જવાને કારણે મધ્ય રેલવેએ દાદર કુર્લા વચ્ચે ચાલતી લોકલ ટ્રેન રદ કરી દેવામાં આવી છે, તો અન્ય સેક્શન પર લોકલ ટ્રેનની સુવિધા બરાબર રીતે ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રમાં થતા વરસાદને કારણે સ્થળે સ્થળે પાણી ભરાઇ ગયું છે, જેનાથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મુંબઇમાં મૉનસૂનના આવ્યા પછી સતત વરસાદ થઈ રહ્યો છે. શુક્રવારે મોડી રાતથી વરસાદ પડવાને કારણે અંધેરી સબવેમાં પાણી ભરાઇ ગયું છે. કુર્લા, સાંતાક્રુઝ, અંધેરી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવામાન વિભાગે મુંબઇ અને આસ પાસના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને અલર્ટ જાહેર કરી દીધું છે.

હવામાન વિભાગે મહારાષ્ટ્રના રત્નાગિરિ અને રાયગઢ જિલ્લામાં 13 જૂન માટે ભારે વરસાદનું `રેડ અલર્ટ` પણ જાહેર કર્યું છે. આઇએમડી પ્રમાણે મુંબઇ અને થાણેમાં શનિવારે પણ ભારે વરસાદ થઈ શકે છે.

બીએમસીએ કહ્યું કે, "આઇએમડીએ 13 14 જૂનના મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે, આ માટે અમે અમારી આપદા પ્રબંધન એજન્સીને સતર્ક કરી દીધું છે. ફાયર બ્રિગેડ, બધા આપદા પ્રબંધન એકમોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ટીમને સ્ટેન્ડ બાય રહેવા માટે કહેવામાં આવ્યું છે."

આ પહેલા પણ ભારે વરસાદને કારણે Sion રેલવે સ્ટેશન અને GTB Nagar સ્ટેશન વચ્ચે રેલ ટ્રેક પર પાણી ભરાઇ જવાને કારણે કુર્લા અને સીએસએમટી વચ્ચે રેલ સેવાઓ અટકાવી દેવામાં આવી હતી. રેલવે ટ્રેક પરથી પાણી હટાવી દેવાયા પછી સેવાઓ ફરીથી શરૂ કરી દેવામાં આવી હતી.

mumbai mumbai news mumbai local train central railway