લોકલ ટ્રેનો તો દોડી, પણ ફાસ્ટ…વચ્ચેના સ્ટેશનના લોકો ક્યાં જાય?

16 June, 2020 07:26 AM IST  |  Mumbai | Mumbai Correspondent

લોકલ ટ્રેનો તો દોડી, પણ ફાસ્ટ…વચ્ચેના સ્ટેશનના લોકો ક્યાં જાય?

૮૨ દિવસ બાદ ગઈ કાલે એસેન્સિયલ સર્વિસના સ્ટાફ માટે શરૂ કરાયેલી લોકલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કેટલાક મુસાફરો.

મુંબઈની લાઇફલાઇન ગણાતી વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનો કોરોનાના સંકટમાં ૨૩ માર્ચે બંધ કરાયા બાદ ગઈ કાલે એસેન્સિયલ સર્વિસના સ્ટાફ માટે શરૂ કરાઈ હતી. રાજ્ય સરકારે વર્ગીકૃત કરેલા એસેન્સિયલ સર્વિસના કર્મચારીઓ જ રેલવે સ્ટેશનોમાં દાખલ થઈ શકશે. ટિકિટબારી પર આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યા બાદ ટિકિટ આપવાની સૂચના અપાઈ છે. હાર્બર લાઇનમાં પણ આવી જ રીતે કેટલીક ટ્રેનો દોડાવવાની શરૂઆત કરાઈ હતી. રેલવેએ અચાનક લોકલ ચાલુ કરી હોવાથી ગઈ કાલે પહેલા દિવસે જૂજ લોકો મુસાફરી કરતા જોવા મળ્યા હતા.

વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે આપેલી એસેન્સિયલ સર્વિસના કર્મચારીઓ જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે એ માટે ૧૨૦૦ પ્રવાસીની ક્ષમતાવાળી પ્રત્યેક ટ્રેનમાં ૭૦૦ લોકોને મુસાફરી કરવા દેવાશે. આંશિક રીતે શરૂ કરાયેલી આ લોકલનો લાભ ૧.૨૫ લાખ એસેન્સિયલ સર્વિસ કરતા લોકોને મળશે.

બન્ને રેલવેના પ્રવક્તાઓના જણાવ્યા મુજબ સવારે ૫.૩૦ વાગ્યાથી રાતના ૧૧.૩૦ વાગ્યા દરમ્યાન દર ૧૫ મિનિટે વેસ્ટર્ન રેલવે દ્વારા ચર્ચગેટથી વિરાર અને વિરારથી દહાણુ વચ્ચે કુલ ૧૪૬ અપ-ડાઉન ફાસ્ટ સર્વિસ દરરોજ ચલાવાશે, જ્યારે સેન્ટ્રલ રેલવેમાં ૧૦૦ અપ અને ૧૦૦ ડાઉન સીએસએમટીથી કસારા, કરજત, કલ્યાણ, થાણે, પનવેલ વગેરે સ્ટેશનો માટે ફાસ્ટ લોકલ સર્વિસ દોડાવાશે.

લોકલ ટ્રેનમાં સામાન્ય વ્યક્તિ ઘૂસી ન જાય એ માટે અનેક જગ્યાએ ટિકિટ-ચેકરથી માંડીને રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો તહેનાત કરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એસેન્સિયલ સર્વિસના કર્મચારીઓ માટે આંશિક રીતે લોકલ ટ્રેન ચાલુ કરવા બાબતે છેલ્લા ત્રણ દિવસથી રેલવે, રાજ્ય સરકારના અધિકારીઓ વચ્ચે બેઠકો થઈ હતી. રેલવેએ રાજ્ય સરકારને મુંબઈ સહિત આસપાસની મહાનગરપાલિકાના એસેન્સિયલ સર્વિસ પર કામ કરી રહેલા સ્ટાફની યાદી આપવાનું કહ્યું હતું, જેથી આ કર્મચારીઓનું બલ્ક પેમેન્ટ રેલવેને મળી જાય અને રેલવે સ્ટેશનો પર ટિકિટબારીઓ ખોલવી ન પડે. જો કે સરકારે આવી યાદી આપી ન શકતા આખરે વિવિધ માગણીઓને ધ્યાનમાં રાખીને રવિવારે મોડી રાત્રે લોકલ દોડાવવાનો નિર્ણય લીધો હતો.

બન્ને લાઇન પર અત્યારે માત્ર ફાસ્ટ લાઇન પર ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આથી વચ્ચેનાં સ્ટેશનોએ રહેતા એસેન્સિયલ સર્વિસના કર્મચારીઓને આ લોકલનો લાભ નહીં મળે. ઉપરાંત રાજ્ય સરકારે પ્રેસને પણ એસેન્સિયલ સર્વિસના લિસ્ટમાં સામેલ ન કર્યા હોવાથી તેઓ પણ લોકલ ટ્રેનોમાં મુસાફરી નહીં કરી શકે એટલે પત્રકારોમાં સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે.

રેલવેના પ્રવક્તાઓએ આ વિશે કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર લિસ્ટમાં પ્રેસને સામેલ કરશે તો તેઓ આઈડેન્ટિટી કાર્ડ બતાવીને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે. સરકારે આપેલી સૂચના મુજબ અમે અત્યારે પ્લાનિંગ કર્યું છે.’

લોકલમાં કોણ જઈ શકશે?

રેલવે વિભાગે ટિકિટ આપતા સ્ટાફને નીચે મુજબની એસેન્સિયલ સર્વિસના સ્ટાફને આઇડેન્ટિટી કાર્ડ બતાવીને ટિકિટ આપવાની સૂચના આપી છે :

૧. મુંબઈ, થાણે, મીરા-ભાઈંદર, વસઈ, વિરાર, પાલઘર, નવી મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના કર્મચારી
૨. મહારાષ્ટ્ર પોલીસ
૩. બેસ્ટના કર્મચારીઓ
૪. મંત્રાલયના કર્મચારીઓ
૫. મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિકલ બોર્ડ કંપનીના કર્મચારીઓ
૬. રાજ્ય-કેન્દ્ર સરકારના કર્મચારીઓ
૭. સરકારી-પ્રાઈવેટ હૉસ્પિટલના કર્મચારીઓ

mumbai news mumbai local train coronavirus mumbai railways western railway central railway mumbai lockdown