20 July, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રેલવે-ટ્રૅક અને અન્ય મશીનરીના સમારકામ માટે સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેના સબર્બન સેક્શનમાં રવિવારે ૨૦ જુલાઈએ પાંચ કલાકનો મેગા બ્લૉક રાખવામાં આવશે.
વેસ્ટર્ન લાઇનમાં સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી બોરીવલી અને ગોરેગામ સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર બ્લૉક રહેશે. બ્લૉક દરમ્યાન બોરીવલી-ગોરેગામ વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇનની ટ્રેનો ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે. બ્લૉકને લીધે અમુક ટ્રેનો રદ રહેશે તેમ જ બોરીવલી અને અંધેરીની અમુક ટ્રેનો ગોરેગામ (હાર્બર લાઇન) સુધી જ દોડાવવામાં આવશે. બોરીવલી સ્ટેશનનાં પ્લૅટફૉર્મ-નંબર એકથી ચાર પરથી કોઈ ટ્રેન ઊપડશે નહીં.
સેન્ટ્રલ રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી વિદ્યાવિહાર વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર સવારે ૧૦.૫૫થી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. દરમ્યાન અપ અને ડાઉન સ્લો લાઇનની ટ્રેનો CSMT-વિદ્યાવિહાર સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે જે ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર ઊભી રહેશે.
હાર્બર લાઇનમાં પનવેલ/વાશી/બેલાપુર-CSMT વચ્ચે અપ લાઇન પર સવારે ૧૧.૧૬થી સાંજે ૪.૪૭ વાગ્યા સુધી અને ડાઉન લાઇનમાં સવારે ૯.૫૩ વાગ્યાથી બપોરે ૩.૨૦ વાગ્યા સુધી ટ્રેનો રદ રહેશે. બાંદરા/ગોરેગામ-CSTM અપ ટ્રેનો ૧૦.૪૫થી સાંજે ૫.૧૩ વાગ્યા સુધી અને ડાઉન ટ્રેનો ૧૦.૪૮થી સાંજે ૪.૪૩ વાગ્યા સુધી રદ રહેશે. બ્લૉક દરમ્યાન પનવેલ-કુર્લા (પ્લૅટફૉર્મ-નંબર ૮) વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે.