લોકલ ટ્રેન મહિલાઓ માટે જરાય સલામત નથી

25 December, 2012 03:56 AM IST  | 

લોકલ ટ્રેન મહિલાઓ માટે જરાય સલામત નથી



વેદિકા ચૌબે

મુંબઈ, તા. ૨૫

મુંબઈની લોકલ ટ્રેનોમાં રોજ પ્રવાસ કરતી ૨૦ લાખ મહિલા પૅસેન્જરો સલામત નથી અને તેમના વિનયભંગના કિસ્સા આ વર્ષે બમણા થઈ ગયા છે. આ આંકડા તો ઠીક છે, પણ નિષ્ણાતો કહે છે કે વિનયભંગના હજારો કેસ નોંધાવવામાં જ આવતા નથી. મહિલાઓ આવી ફરિયાદ કરવા આગળ આવતી નથી એની પાછળ ઘણાં કારણો છે.

ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના આંકડા મુજબ ૨૦૧૦માં વિનયભંગના ૧૫ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૧૧માં એની સંખ્યા ઘટીને ૮ થઈ ગઈ હતી; પણ આ વર્ષે નવેમ્બર સુધીમાં થયેલી ફરિયાદનો આંક ૧૯ છે. જોકે મહિલા પ્રવાસીઓની વાત કરીએ તો આવા કેસ રોજ બને છે અને એ બાબતે ફરિયાદ કરવા જવાનો મહિલાઓને ટાઇમ પણ નથી.

નિષ્ણાતો કહે છે કે આવી રીતે રોજ મહિલા પ્રવાસીઓની છેડતી થાય છે અને એવા કેસ પોલીસમાં નોંધાતા નથી. મહિલાઓ માને છે કે આવા કેસમાં ફરિયાદ કરીને કંઈ ફાયદો નથી.

ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના મેમ્બર રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘રેલવે પોલીસ ર્ફોસ (આરપીએફ) અને જીઆરપીના જવાનો મહિલા પ્રવાસીઓની સલામતી કરવા ફિટ નથી. તેમની પાસે સ્ટાફ ઓછો છે અને બન્ને વચ્ચે સંકલનનો અભાવ છે. જો આ બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી વર્ષોમાં આવા કેસો ઘણા વધી જશે.’

રેલવે ઍક્ટિવિસ્ટ આવા કિસ્સાઓ વિશે સમીર ઝવેરીએ કહ્યું હતું કે ઘણા પોલીસોની સામે પણ છેડતી, વિનયભંગ અને બળાત્કારના કેસ નોંધાયા છે એટલે મહિલા પ્રવાસીઓ ફરિયાદ કરવા જતાં ગભરાય છે. જીઆરપીના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ જી. એસ. ભંડારેએ કહ્યું હતું કે ‘નાઇટ પૅટ્રોલિંગ માટે ૩૪૪ જવાનો છે. આ સિવાય દરેક ડિવિઝનમાં ૫૦ જવાનોનો વધારાનો સ્ટાફ પણ છે. વિનયભંગના કેસમાં વધારો થયો છે, પણ હવે મહિલાઓ જાગૃત થઈ હોવાથી સામે ચાલીને ફરિયાદ કરવા આવે છે. ટ્રેનમાં કોઈ છેડતી કરતું હોય તો મહિલા પૅસેન્જર અમારી હેલ્પલાઇન પર સંપર્ક કરી શકે છે અથવા નજીકના રેલવે-સ્ટેશન પર જઈને અમારા પોલીસ-સ્ટેશનમાં પણ લેખિત ફરિયાદ નોંધાવી શકે છે. જો કોઈ પોલીસ-સ્ટેશન ફરિયાદ લેવામાં આનાકાની કરે તો હેલ્પલાઇનનો સંપર્ક કરી શકાય છે. ’

મહિલાઓએ શું કરવું? શું ન કરવું?

જો લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં કોઈ પૅસેન્જર ન હોય તો જનરલ કોચમાં જતા રહેવું. આ ડબ્બામાં પૅસેન્જરો હોય તો સલામતી વધુ રહેશે.

ટૉર્ચ, નાનું ચપ્પુ કે પેપર-સ્પ્રે સાથે રાખો. ગમે ત્યારે કામ લાગશે.

જો મોડી રાત્રે પ્રવાસ કરતા હો તો મોટરમૅનની કૅબિન પાસેના ડબ્બામાં પ્રવાસ કરો.

મોડી રાતે ઉપનગરોમાં એકલા જવાનું ટાળો.

દરવાજાની પાસે ઊભા ન રહો. જો ટ્રેનમાં ભારે ભીડ હોય તો એને છોડી દો.

ટ્રેનપ્રવાસમાં ભારે અને મોંઘી જ્વેલરી પહેરવાનું ટાળો. એને તમારા પર્સમાં મૂકી દો.

પ્રવાસ કરતી વખતે અલર્ટ રહો. જો કોઈ પૅસેન્જરની હિલચાલ શંકાસ્પદ લાગે તો પ્લૅટફૉર્મ પર ઊતરીને લોકોનું ધ્યાન દોરો.

જીઆરપી હેલ્પ લાઇન ૯૮૩૩૩૩૧૧૧૧