લોકલના નવા ડબ્બાઓમાં ઓપન પાર્ટિશનથી મહિલાઓ પરેશાન

19 October, 2012 03:06 AM IST  | 

લોકલના નવા ડબ્બાઓમાં ઓપન પાર્ટિશનથી મહિલાઓ પરેશાન



વૈદિકા ચૌબે

મુંબઈ, તા. ૧૯

૨૦૦૭માં નવી આવેલી ટ્રેનોમાં હવાની અવરજવર માટે જેન્ટ્સ તેમ જ લેડીઝ ડબ્બાઓ વચ્ચે સ્ટીલના સળિયા મૂકવામાં આવ્યા છે, પરંતુ આ આડશ મહિલા મુસાફરો માટે મુસીબતનું કારણ બની છે. એને લીધે પુરુષો તેમને સતત અભદ્ર નજરે જોયા કરતા હોય છે તેમ જ ઘણી વાર તો શારીરિક છેડછાડ પણ કરતા હોય છે. ઘણા પુરુષો તો તેમની વિડિયો-ક્લિપ પણ ઉતારતા હોય છે. આવા દારૂ પીધેલા તેમ જ તેમને સતત જોયા કરતા મુસાફરોથી બચવા માટે મહિલા મુસાફરો રેલવે-પ્રવાસમાં પોતાની  સાથે સ્કાર્ફ રાખીને ફરી રહી છે. પોતાની સતત થતી કનડગતથી કંટાળીને મહિલા મુસાફરોએ છેવટે સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજરનો આ મામલે સંપર્ક કર્યો છે.

૨૦૦૭માં મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી) દ્વારા નવી ટ્રેનો આવી ત્યાર બાદ આ સમસ્યા વધી ગઈ છે. સીએસટીમાં કામ કરતી મંજરી શિંદેએ કહ્યું હતું કે ‘નાઇટ શિફ્ટમાં આવા ઘણા બનાવોની હું સાક્ષી છું. પુરુષ મુસાફરો અભદ્ર ભાષામાં બોલે છે તેમ જ ઘણી વાર તો લોખંડના મોટા સળિયા વચ્ચેની જગ્યામાંથી મહિલાઓનાં વસ્ત્રો પણ ફાડે છે. ત્યાર બાદ મહિલા મુસાફરોનું ધ્યાન ખેંચવા માફી માગવાનો ઢોંગ પણ કરે છે.’

રેલ પ્રવાસી સંઘનાં વાઇસ પ્રેસિડન્ટ નજીમા સઈદે કહ્યું હતું કે ‘ઘણા લાંબા સમયથી આ સમસ્યા છે. રેલવે ઑથોરિટી સમક્ષ આ વિશે અમે ઘણી વાર રજૂઆત પણ કરી છે. જેન્ટ્સ તેમ જ લેડીઝ ડબ્બા વચ્ચે યોગ્ય આડશ મૂકવા માટે પણ વિનંતી કરી છે.’ મહિલાઓ રાત્રે લોકલમાં પ્રવાસ કરવાનું ટાળે છે. રેલવે ઑથોરિટીએ કહ્યું હતું કે ‘આડશ મૂકવા માટેની ઘણી ફરિયાદો મહિલા મુસાફરો પાસેથી મળી છે. સ્ટેશન-માસ્તર પાસે પણ ઘણી મહિલાઓ ફરિયાદ કરતી હોય છે. ફરિયાદોના આધારે અમે યોગ્ય કાર્યવાહી કરીશું.’

રેલવેનું શું કહેવું છે?

સેન્ટ્રલ રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર એ. કે. સિંહે કહ્યું હતું કે ‘મહિલાઓની સલામતી અમારી પ્રાથમિકતા છે. હવાની અવરજવર માટે આવું પાર્ટિશન રાખવામાં આવ્યું છે. વળી જો કોઈ અસામાજિક તત્વો મહિલાના ડબ્બામાં જબરદસ્તીથી ઘૂસી જાય તો પુરુષ મુસાફરો મહિલા મુસાફરોને મદદ કરી શકે, પરંતુ જો જરૂર પડે તો અમે એમાં ફેરબદલ કરીશું.’

વેસ્ટર્ન રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર શરત ચંદ્રાયને કહ્યું હતું કે આવી કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી.