લોકલ લઈ આવી રીટેલ વેપારની ગાડી પટરી પર

13 February, 2021 08:28 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

લોકલ લઈ આવી રીટેલ વેપારની ગાડી પટરી પર

ગઈ કાલે દાદર સ્ટેશન પર ટ્રેનમાંથી ઊતરીને બહાર જઈ રહેલા પ્રવાસીઓ. (તસવીર: સૈયદ સમીર અબેદી)¬

કોરોનાને કારણે લૉકડાઉન જાહેર થતાં મુંબઈની લાઇફલાઇન એવી ટ્રેનોમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતાં રીટેલ વેપાર ગયા માર્ચ મહિનાથી ઠપ થઈ ગયો હતો. જોકે પહેલી ફેબ્રુઆરીથી સમયમર્યાદા સાથે લોકલ ટ્રેનો સામાન્ય મુસાફરો માટે પણ શરૂ કરવામાં આવ્યા બાદ રીટેલ વેપાર ફરી ધીરે-ધીરે સ્પીડ પકડી રહ્યો હોવાથી વેપારીઓ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.

પચાસ ટકા સુધીનો ફરક દેખાઈ રહ્યો છે

વરલીમાં જૂની પાસપોર્ટ ઑફિસની સામે છેલ્લાં ૨૫ વર્ષથી જેન્ટ્સ રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાન ધરાવતા સુરેશ સાવલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વરલી ઑફિસ એરિયા ગણાય છે. અહીં મોટા ભાગના લોકો કામકાજ માટે આવતા હોય છે. માર્ચ મહિનામાં લૉકડાઉન જાહેર થયા બાદ અમારી કફોડી હાલત થઈ ગઈ હતી અને અમે બેસીને દિવસો કાઢ્યા છે. એપ્રિલ-મે લગ્નની સીઝન હતી. જૂન મહિનાથી દુકાનો શરૂ થઈ, પરંતુ એ પણ ઑલ્ટરનેટ દિવસે અને વરસાદની સીઝન હોવાથી ધંધામાં કોઈ ફરક પડ્યો નહોતો. ઑલ્ટરનેટ ડે હોવાથી ગ્રાહકો પણ મૂંઝવણમાં હતા અને કોરોનાએ બજેટ બગાડી દીધું હોવાથી દિવાળીમાં લોકોએ જોઈએ એટલી ખરીદી કરી નહોતી. જોકે સામાન્ય લોકો માટે લોકલ શરૂ થયા બાદ ચોક્કસ અસર દેખાવા લાગી છે. મારી દુકાન ઑફિસ એરિયામાં હોવાથી ઑફિસ શરૂ થવાથી લોકો ખરીદી કરવા લાગ્યા છે. લોકલને કારણે ઘરાકીમાં પચાસ ટકા ફરક જોવા મળ્યો છે.’

ખૂબ સારો રિસ્પૉન્સ મળવા લાગ્યો છે

કુર્લા (વેસ્ટ)માં ન્યુ મિલ રોડ પર ત્રીસેક વર્ષથી બૅગની દુકાન ધરાવતા ગિરીશ છેડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લૉકડાઉનને કારણે ત્રણ મહિના દુકાન સંપૂર્ણ બંધ હતી. એ પછી એક દિવસ છોડીને એક દિવસ દુકાન ખુલ્લી રહેતી હતી, પરંતુ એમાં નહીં બરાબર વેપાર થઈ રહ્યો હતો. લૉકડાઉન વખતે એવા વિચાર આવતા હતા કે વેપાર થશે કે નહીં? ધંધો આગળના દિવસોમાં નહીં થાય તો શું થશે એની ચિંતામાં અમે આવી ગયા હતા. લેડીઝ માટે ટ્રેનો શરૂ થઈ ત્યારે પણ વેપારમાં બહુ મોટો ફરક દેખાયો નહોતો. જોકે પહેલી ફેબ્રુઆરીથી જનરલ પબ્લિક માટે ટ્રેનો શરૂ થતાં પચાસ ટકા જેટલો ધંધો થઈ રહ્યો છે અને સારો રિસ્પૉન્સ મળવા લાગ્યો છે. લોકલ બધા માટે સમયમર્યાદા વગર શરૂ થઈ જાય તો સારું, પરંતુ હમણાં તો અમે ખુશ થઈ ગયા છીએ.’

હવે ટ્રેનોનો સમય બદલવાની ખાસ જરૂર છે

દાદરની હિન્દમાતા માર્કેટમાં કટપીસની ૬૦ વર્ષ જૂની દુકાન ધરાવતા વિરજી શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લૉકડાઉને વેપારીઓની હાલત ખરાબ કરી દીધી હતી. માર્કેટ હવે ધીરે-ધીરે સ્પીડ પકડી રહી છે. જનરલ પબ્લિક માટે ટ્રેનો શરૂ થવાથી ઘરાકીમાં ૧૫થી ૨૦ ટકાનો ફરક પડ્યો છે. હાલમાં ટ્રેનનો સમય બપોરે ૧૨થી ૪ વાગ્યાનો હોવાથી લોકો ખરીદી ક્યારે કરે અને ક્યારે ટ્રેન પકડીને જાય એમ થઈ ગયું છે. જલદી ખરીદી કરી શકે એવા લોકો જ અત્યારે જોવા મળે છે. ટ્રેનનો સમય બદલાય તો વેપારને સારો બૂસ્ટ મળી શકે એમ છે.’

આત્મનિર્ભર ભારત માટે રીટેલ વેપારે સ્પીડ પકડવી જરૂરી

ધી મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશનના પ્રમુખ રમણીકલાલ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રેનો શરૂ થઈ એને ગણતરીના દિવસો જ થયા છે, પણ એની પૉઝિટિવ અસર જોવા મળી રહી છે. મારી દુકાનમાં સારા પ્રમાણમાં ઘરાકી થઈ રહી છે અને ચેમ્બુર, સાંતાક્રુઝ, વિદ્યાવિહાર, કાલિના વગેરે જગ્યાએથી લોકો ટ્રેનમાં વસ્તુઓ લેવા આવે છે, પરંતુ સમયમર્યાદાને કારણે તેઓ જલદી નીકળી જાય છે. અગાઉના બે મહિનામાં રીટેલ વેપાર ૪૦ ટકાની આસપાસ જ હતો. હાલમાં સમયમર્યાદા પ્રમાણે ટ્રેનો શરૂ થતાં વેપારમાં ૬૦થી ૭૦ ટકા વધારો થયો છે. ટ્રેનો શરૂ કરવાની અમે વિનંતી કરી છે જેથી લોકો અવરજવર કરી શકે અને ૧૦૦ ટકા ધંધા શરૂ થઈ શકે. આવી માગણી કરતો પત્ર પણ અમે લખ્યો છે.’

ધંધા પર થોડી પૉઝિટિવ અસર થઈ  છે

દાદરની હિન્દમાતા માર્કેટમાં પડદા અને બેડશીટની પંચાવન વર્ષ જૂની દુકાન ધરાવતા રાજેશ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાએ રીટેલ વેપાર એકદમ બેસાડી દીધા બાદ અત્યારે ધીરે-ધીરે શરૂ થયો છે. સામાન્ય લોકો માટે ટ્રેનો શરૂ થતાં વેપાર પર થોડી પૉઝિટિવ અસર થઈ છે, પરંતુ કોરોનાકાળમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા વેપાર સ્પીડ પકડે એ જરૂરી છે. ટ્રેનો રાબેતા મુજબ શરૂ કરવાનો હવે સમય આવી ગયો છે. એનાથી લોકો સાથે વેપારીઓને ઘણી રાહત મળી રહેશે.’

રૂટીન વર્ક લાઇન પર આવી રહ્યું છે

બાંદરામાં હિલ રોડ પર ૧૭ વર્ષથી ચશ્માની શૉપ ધરાવતા પીયૂષ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રૂટીન વર્ક લાઇન પર આવી રહ્યું છે. સર્વિસ કરતો હોવાથી પ્રોડક્ટ્સ રિલેટેડ કામ માટે મારે અનેક વખત બહારના વિસ્તારોમાં જવું પડે છે. લોકલ શરૂ થતાં એમાં બિનિફિટ થયો છે. ટ્રેનના સમય પ્રમાણે બપોરે લંચથી સાંજ સુધી કામ ચાલી રહ્યું છે. લૉકડાઉન વખતની સરખામણીમાં હાલમાં ૩૦થી ૪૦ ટકા વેપાર વધ્યો છે. ટ્રેનની સમયમર્યાદા દૂર થશે તો ખાસ્સોએવો ફરક જોવા મળશે.’

સ્કૂલો શરૂ થશે નહીં ત્યાં સુધી ગાડી પાટે નહીં ચડે

મજિસ્દ બંદર સ્ટેશનરી અસોસિએશનના પ્રમુખ અને મહારાષ્ટ્ર સ્ટેટ ફેડરેશનના સેક્રેટરી કિશોર કેનિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લૉકડાઉનની સ્ટેશનરીના વેપારીઓને સૌથી વધુ અસર થઈ છે. પહેલાં તો ગ્રાહકો અને માણસો ન હોવાથી ખૂબ હેરાન થયા. ત્યાર બાદ ત્રણ મહિનાથી ટ્રેનો અને બસો શરૂ થતાં થોડી ગાડી આગળ વધી. હાલમાં ટ્રેનો શરૂ થતાં ૧૦થી ૧૫ ટકાનો ફરક પડ્યો છે, પરંતુ એનાથી અમારા ધંધાને બહુ અસર થઈ નથી. ઑફિસો શરૂ થવાને કારણે થોડો ફરક પડ્યો છે, પરંતુ વર્ક ફ્રૉમ હોમ હોવાથી ડિમાન્ડમાં ઘટાડો થયો છે. જ્યાં સુધી સ્કૂલો શરૂ નહીં થાય ત્યાં સુધી અમારી ગાડી એકદમ પાટે ચડશે નહીં.’

mumbai mumbai news mumbai local train preeti khuman-thakur