મીરા-ભાઇંદર અને વસઈ-વિરાર રેલવે-પ્લૅટફૉર્મ પર ટૉઇલેટ-ટ્રબલ

25 December, 2014 05:33 AM IST  | 

મીરા-ભાઇંદર અને વસઈ-વિરાર રેલવે-પ્લૅટફૉર્મ પર ટૉઇલેટ-ટ્રબલ


પ્રીતિ ખુમાણ ઠાકુર

મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં રેલવે-પ્લૅટફૉર્મ પર પ્રવાસીઓને ટૉઇલેટ-ટ્રબલનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનનો ભાગ રેલવે પણ બની છે. એ અનુસાર ઠેકઠેકાણે સ્વચ્છતા રાખવી એવાં બૅનરો લાગેલાં છે અને ટ્રેન-પ્લૅટફૉર્મ પર અનાઉન્સમેન્ટ થાય છે. એમ છતાંય જ્યારે આપણે પ્લૅટફૉર્મ પર રહેલાં ટૉઇલેટ પર નજર નાખીએ ત્યારે એવું થાય કે આવું સ્વચ્છતા અભિયાન?
ટૉઇલેટની અવ્યવસ્થાના કારણે પ્રવાસીઓને અને એમાં ખાસ કરીને મહિલા પ્રવાસીઓને ભારે હેરાનગતિ થતી હોય છે. એમાં ખાસ કરીને આ ઠંડીની સીઝનમાં વધુ સમસ્યા થતી હોય છે. આ ટ્રબલ વિશે માહિતી આપતાં ભાઈંદરમાં રહેતાં અને દરરોજ મુંબઈ તરફ જતાં રંજન જોશીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રેલવે-પ્રશાસન સ્વચ્છતા અભિયાન માટે પ્રવાસીઓને કહી રહ્યું છે.

રેલવે-પરિસરમાં થૂંકવામાં આવશે તો ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જેવાં બૅનર પણ મારે છે. પણ પ્રશાસને ક્યારેય એ નથી જોયું કે દરરોજ વપરાતાં ટૉઇલેટની હાલત કેવી છે. પ્રવાસીઓને નાછૂટકે આવાં ટૉઇલેટનો ઉપયોગ કરવો પડે છે. ત્યાં મચ્છર, ગંદકીનો તો કોઈ પાર નથી.’

વિરારમાં રહેતાં જ્યોતિ પારેખે મિડ-ડે LOCALને આ સંદર્ભમાં જણાવ્યું હતું કે ‘વિરારના પ્લૅટફૉર્મ પર એક ટૉઇલેટ તો બંધ થઈ ગયું છે અને બીજા પ્લૅટફૉર્મ પર ટૉઇલેટમાં તો ઊભા રહી શકાય એમ નથી. ટ્રેન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પ્રવાસીઓએ નાકે રૂમાલ રાખીને ઊભા રહેવું પડે છે અને ત્યાં મચ્છરનું પણ સામ્રાજ્ય ખૂબ વધી ગયું છે. ડેન્ગી જેવા રોગ અહીંથી ફેલાય એવી પરિસ્થિતિ છે. રેલવે પણ સ્વચ્છતા અભિયાનનો એક ભાગ બની છે તો પછી આ સ્વચ્છતા અભિયાન ફક્ત દંડ વસૂલવા તો નથીને? સ્વચ્છતા અભિયાન ફક્ત રસ્તા પર જ ઍપ્લિકેબલ છે, પ્લૅટફૉર્મ પર નહીં?’