અનેક પડ્યા અને અનેક પડશે : એને કોણ રોકશે?

24 December, 2014 05:18 AM IST  | 

અનેક પડ્યા અને અનેક પડશે : એને કોણ રોકશે?



રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટના નાઇન્ટી ફીટ રોડ પર આવેલી મિલન અને મિલાપ સોસાયટીની બહારની ગટરો ખુલ્લી હોવાથી એમાં અવારનવાર ગાડીઓ અને માણસો પડવાના બનાવો બનતા રહે છે. આમ છતાં આ ગટરોને બંધ કરવા માટે સુધરાઈ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લીધે આ સોસાયટીનો સભ્યોમાં આક્રોશ ફેલાયો છે. નાઇન્ટી ફીટ રોડ પર સવાર-સાંજ લોકો વૉકિંગ કરવા નીકળે છે, પણ તેઓ મિલન અને મિલાપ સોસાયટી પાસેથી પસાર થતાં સમયે સહેજ પણ બેધ્યાન બને તો સીધા ગટરમાં પડે છે અને ઈજા પામે છે. રાતના સમયે અનેક ગાડીઓ આ ગટરમાં ઘૂસી જવાના બનાવો બન્યા છે. આ બાબતમાં સુધરાઈમાં વારંવાર ફરિયાદ કરવા છતાં આ ખુલ્લી ગટરોને બંધ કરવા માટે પગલાં લેવાતાં નથી.

આ બાબત પર આક્રોશ ઠાલવતાં મિલાપ સોસાયટીના એક સિનિયર સિટિઝને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સુધરાઈએ જ્યારે ખુલ્લી ગટર બંધ કરવા માટે કોઈ જ પગલાં ન લીધાં ત્યારે અમારે અમારી અને રાહદારીઓની સુરક્ષા માટે પગલાં લેવા પડ્યાં છે. અમે આ ગટરોમાં કોઈ પડી ન જાય એના માટે ગટરની પાસે ફૂલના કૂંડાં મૂકી દીધાં છે. આ પહેલાં મિલન સોસાયટીની બહાર કોઈ એજન્સીએ ખોદકામ કર્યું હતું તો તેઓ રસ્તો સમથળ કર્યા વગર જ ફક્ત પેવર-બ્લૉક્સ પાથરીને (બેસાડીને નહીં) જતા રહ્યા છે. ત્યાં પણ રાહદારીઓના પડવાના બનાવ બનતા રહે છે. અત્યાર સુધીમાં આ રસ્તા પર પાંચથી છ જણ પડી ગયા છે અને આઠથી દસ ગાડીઓ ગટરમાં ઘૂસી જઈને નુકસાન પામી છે. અમારી ફરિયાદ સાંભળનારું પણ કોઈ જ નથી.’