વસઈમાં આગમાં બ્રાહ્મણ પરિવારે સર્વસ્વ ગુમાવ્યું

20 December, 2014 04:52 AM IST  | 

વસઈમાં આગમાં બ્રાહ્મણ પરિવારે સર્વસ્વ ગુમાવ્યું


પ્રીતિ ખુમાણ ઠાકુર

વિપુલ જોષી પોતાના આ ઘરને બચાવવા પ્રયત્ન પણ કરી શક્યા નહીં, કેમ કે તેઓ ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં ઘર તાસનાં પત્તાંની જેમ પડીને પૂરી રીતે ખાખ થઈ ગયું અને તેમને ધુમાડા સિવાય બીજું કંઈ દેખાયું નહીં. ઘટના બાદ આખા બિલ્ડિંગની ઇલેક્ટ્રિસિટી સપ્લાઈ કાપી નાખવામાં આવી છે જે ગઈ કાલ સુધી શરૂ કરવામાં આવી નહોતી. વસઈ (વેસ્ટ)માં અંબાડી રોડ પર આવેલા ગોપાલ બિલ્ડિંગની બી-વિંગમાં ત્રીજા માળે રહેતા બ્રાહ્મણ સમાજના વિપુલ જોષી તેમની મમ્મી, પત્ની, દીકરા, દીકરી અને સાસુ સાથે રહે છે. ગુરુવારે ઘરમાં ર્શોટ-સર્કિટ થતાં આખા ઘરમાં આગ ફેલાઈ પણ સમયસૂચકતા રાખતા કોઈ જાનહાનિ થઈ નહોતી.

આ કાળા દિવસ વિશે અને પોતાની આપવીતી જણાવતાં વિપુલ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા ઘરમાં હજી થોડા વખત પહેલાં જ મેં ઇન્ટિયરનું કામ કરાવ્યું હતું. પરિવારના દરેક સદસ્યની પસંદગી પ્રમાણે આ ઘર બનાવ્યું હોવાથી અમારા માટે આ ઘર એક મંદિર સમાન જ હતું. મારો અને મારી સાસુનો એમ અમારી પાસે ત્રીજા માળે બે ફ્લૅટ છે. હું એ દિવસે કલ્યાણ કોઈ કામસર ગયો હતો અને મને અચાનક જ ફોન આવતાં હું આવી રહ્યો હતો પણ રાતના ૮ વાગ્યાની આસપાસ બિલ્ડિંગ નીચે પહોંચ્યો તો મારી આંખની સામે ફાયર-બ્રિગેડની ગાડીઓ જઈ રહી હતી અને મારા ઘરમાંથી ફક્ત કાળા ધુમાડા નીકળી રહ્યા હતા. નીચે મારો પરિવાર મને લપેટાઈને રડી રહ્યો હતો ને હું મારા સપનાના ઘરને આગની લપેટમાં ખાખ થયેલું જોઈ રહ્યો હતો. આ દૃશ્ય ભૂલવું મારા માટે કેટલું કઠિન છે એ કદાચ શબ્દોમાં નહીં કહી શકું.’

ફોટો-ફ્રેમ લેવાની જીદ

‘જેમ મારા માટે મારા સપનાનું ઘર મહત્વનું છે એમ મારી સાસુ માટે મારા સસરાની એક માત્ર ફોટો-ફ્રેમ મહત્વની છે. એમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે મારા સસરા હરદીપ સિંગ ૨૧ વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા હતા. તેઓ ‘જાનવર’, ‘એક ફૂલ ચાર કાંટે’, ‘જહા મોહબત’ વગેરે ફિલ્મના પ્રોડ્યુસર હતા. સાસુના બેડરૂમમાં તેમના પતિ અને દિયરની એક ફોટો-ફ્રેમ હતી જે પણ આગની લપેટમાં આવી રહી હતી અને સાસુ એ લીધા વગર નીચે નહીં ઊતરશે એમ કહીને આગ ઓલવવાની કોશિશ કરી રહ્યાં હતાં. આથી મેં આસપાસ રહેતા મારા મિત્રોને ફોન કર્યો અને તેમને નીચે ઉતારવા કહ્યું. મારા મિત્રો તેમને રીતસરના ઉપાડીને નીચે લઈ ગયા હતા. તેઓ ચાલી પણ શકતાં નહોતાં.’

દાગીના બચાવી લીધા

નુકસાન વિશે કહેતાં તેમણે કહ્યું હતું કે ‘આ આગે ઘરની એક પણ વસ્તુ બચાવી નથી. ઘરના એગ્રીમેન્ટથી લઈને રોકડ રકમ, બે ટીવી, બે ફ્રીજ એમ કુલ લગભગ ૧૫ લાખ રૂપિયાથી પણ વધારાનું નુકસાન થયું છે. મારી પત્નીએ આગમાં સિલિન્ડરનો બલાસ્ટ થાય નહીં એ માટે પહેલાં સિલિન્ડર બહાર કાઢ્યું અને હાથમાં આવેલા થોડા સોનાના દાગીના સિવાય કંઈ બચાવી શક્યા નહોતા, કારણ કે આગની લપેટ જબરજસ્ત રીતે પ્રસરી ગઈ હતી. મારી દીકરી ૧૨મા ધોરણમાં અને દીકરો ૯મા ધોરણમાં છે એ બન્નેની બધી જ બુકો ખાખ થઈ ગઈ છે. ગુરુવારની રાત તો અમે કેવી રીતે કાઢી છે એ અમારું મન જાણે છે. ધુમાડો એટલો હતો કે અમે ગઈ કાલે બધાને ખાસી થઈ જતાં દવા પણ લઈને આવ્યા છીએ.’