વાહ રે પોલીસ

20 December, 2014 04:49 AM IST  | 

વાહ રે પોલીસ


સ્વાભાવિક છે કે લોકોને આ બાબતની ચિંતા થાય અને થઈ પણ રહી છે, પણ પબ્લિકની આ ચિંતામાં પોલીસ વધારો કરી રહી છે. બન્યું એવું છે કે એક ઘરમાં ચોરી થયા પછી ઘરવાળાઓએ એ પરિસરના CCTV કૅમેરામાં કેદ થયેલા ચોરોનું ચોખ્ખું ફુટેજ પોલીસને આપ્યું અને ઘરના માલિકે ચોરોને ઓળખી પણ લીધા એમ છતાં ચોરોને શોધવા પોલીસ તસદી લઈ નથી રહી. નાલાસોપારા (વેસ્ટ)માં શ્રીપ્રસ્થના શાંતિ પાર્ક વિસ્તારમાં આવેલા શ્રી સાઈ પૅલેસ નામના બિલ્ડિંગના બીજા માળે રહેતા મંગળદાસ મહેતરના ઘરે એક ડિસેમ્બરની સવારે ચાર ચોરોએ મળીને ચોરી કરી હતી. આ ઘટના બદલ પોલીસે ફરિયાદ તો લીધી હતી અને છેક બીજા દિવસે પોલીસ ડૉગ-સ્ક્વૉડ લાવી હતી. એથી પોલીસને કેસ સૉલ્વ કરવા કોઈ પુરાવા જ મળ્યા નહોતા. જોકે આ દરમ્યાન જ ચોરીના થોડા દિવસ બાદ પરિસરના એક બિલ્ડિંગમાં લગાડેલા કૅમેરામાં ચારેય ચોરો કેદ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. એથી મંગળદાસને આશા હતી કે જલદીમાં જલદી ચોર પકડાઈ જશે. વધુ માહિતી આપતાં મંગળદાસ મહેતરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મચ્છરનો ત્રાસ ખૂબ વધી ગયો હોવાથી હું, મારાં બાળકો અને પત્ની હૉલમાં ફાસ્ટ પંખો કરીને સૂતાં હતાં.

પંખામાંથી અવાજ વધુ આવતો હોવાથી ચોરો ઘરમાં ઘૂસ્યા છે એની મોડેથી જાણ થઈ હતી. ચોરો બેડરૂમની ગ્રિલ તોડીને ઘૂસ્યા અને ત્યાર બાદ બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. કબાટની ચાવી તકિયા નીચે હતી એથી ચોર એ લઈને કબાટ ખોલીને અંદર રહેલા સોનાના ૮ તોલા દાગીના તેમ જ હજારથી દોઢ હજાર રૂપિયા કૅશ લઈને નાસી રહ્યા હતા ત્યારે મને અચાનક જ અવાજ આવતાં હું ભાગતો નીચે ગયો અને નીચે ઊભેલા વૉચમૅન અને અન્ય લોકોએ ચાર ચોરને પકડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ચારેયે મળીને અમારા પર પથ્થરથી હુમલો કર્યો અને અમારામાંથી એકને ઘાયલ કયોર્ હતો. અમારા સમાજમાં દીકરીનાં લગ્નમાં સોનાની વસ્તુઓ વધુ આપવાની હોવાથી અમે દીકરી માટે નાનપણથી જ સોનું ભેગું કરી રહ્યા હતા અને એ બધું ચોરાઈ ગયું છે. બાજુની સોસાયટીમાં પૂજા હોવાથી આ દાગીના પહેરવા અમે ઘરે લાવ્યા હતા અને એ વખતે જ ચોરાઈ ગયા છે. ચોરો વિશે કોઈ પુરાવા નહોતા, પણ કૅમેરામાં તેઓ કેદ થયા અને મેં પણ તેમને ઓળખી લીધા એથી આશા હતી કે પોલીસ જલદી તેમને પકડી પાડશે. જોકે પોલીસ અમને ફક્ત પોલીસ-સ્ટેશનના ધક્કા જ ખવડાવી રહી છે અને પોલીસ-અધિકારી રજા પર છે, સમય નથી એવી બધી વાતો કરીને કેસ સૉલ્વ કરવામાં રસ લેતી નથી.’