મુંબઈ સેન્ટ્રલમાં ૨૧ માળના રેલવે-ક્વૉર્ટર્સમાં આગ

16 December, 2014 05:04 AM IST  | 

મુંબઈ સેન્ટ્રલમાં ૨૧ માળના રેલવે-ક્વૉર્ટર્સમાં આગ


સપના દેસાઈ

મુંબઈ સેન્ટ્રલમાં રેલવે-સ્ટેશનની સામે અને મરાઠા મંદિર થિયેટરની પાછળની તરફ આવેલા ૨૧ માળના રેલવે-ક્વૉર્ટર્સમાં ગઈ કાલે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં બિલ્ડિંગમાં રહેતા ૧૪ લોકો દાઝી ગયા હતા જેમને જગજીવનદાસ અને નાયર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ફાયર-બ્રિગેડના કહેવા મુજબ ગઈ કાલે સવારે લગભગ ૧૧.૧૫ વાગ્યે ૨૧ માળના બિલ્ડિંગના બીજા માળે શૉર્ટ-સર્કિટથી આગ ફાટી નીકળી હોવાનો ફોન આવ્યો હતો. આગ લાગતાં જ ઘટનાસ્થળે ફાયર-બ્રિગેડનાં ચાર વૉટર-ટૅન્કર મોકલવામાં આવ્યાં હતાં, પણ બાદમાં આઠ ફાયર-એન્જિન અને પાંચ વૉટર-ટૅન્કર વધારાનાં મોકલવામાં આવ્યાં હતાં.

બિલ્ડિંગમાં આગ લાગી એ સમયે લગભગ ૬૦થી ૬૫ લોકો બિલ્ડિંગમાં હતા અને બિલ્ડિંગમાં આગને કારણે ધુમાડો પણ બહુ નીકળી રહ્યો હતો એને કારણે ફાયર-બ્રિગેડને આગ પર નિયંત્રણ મેળવવામાં ભારે તકલીફ થઈ હતી. જોકે ફાયર-બ્રિગેડે તેમનો બચાવ કર્યો હતો અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.મુંબઈ સેન્ટ્રલ સિવાય ગઈ કાલે વહેલી સવારે લગભગ ૩.૩૦ વાગ્યાની આસપાસ મલાડ (વેસ્ટ)માં આવેલા એવરશાઇન નગરમાં આવેલા આંબેડકર નગરમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી જેમાં ૫૦થી ૬૦ જેટલાં ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં. ફાયર-બ્રિગેડની ૧૦ જેટલી ગાડીઓ આગ બુઝાવવા દોડી ગઈ હતી. આગમાં કોઈ  જાનહાનિ થઈ નહોતી. ગોરેગામમાં આવેલા હબ મૉલની બાજુમાં એક અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગના ચોથા માળે આગ લાગી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.