મુંબઈમાં ૪૧ મહિના બાદ પેટ્રોલ ૭૦ રૂપિયાની નીચે : નવો ભાવ ૬૮.૮૬

16 December, 2014 05:03 AM IST  | 

મુંબઈમાં ૪૧ મહિના બાદ પેટ્રોલ ૭૦ રૂપિયાની નીચે : નવો ભાવ ૬૮.૮૬



ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડ તેલનો ભાવ ઘટતાં ગઈ કાલે મધરાતથી ઑઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરદીઠ બે રૂપિયાનો ઘટાડો કરતાં લોકોને ઘણી રાહત થશે. મુંબઈમાં ૪૧ મહિના બાદ પેટ્રોલનો ભાવ ૭૦ રૂપિયાની નીચે ગયો છે અને ગઈ કાલના ઘટાડાના પગલે હવે ભાવ ૬૮.૮૬ રૂપિયા પ્રતિ લિટર થયો છે. મુંબઈમાં પેટ્રોલનો ૭૦ રૂપિયાથી નીચેનો ભાવ છેલ્લે ૨૦૧૧ના જુલાઈ મહિનામાં જોવા મળ્યો હતો અને ત્યારે પેટ્રોલનો ભાવ ૬૮.૬૨ રૂપિયા હતો. મુંબઈમાં ડીઝલનો ભાવ આશરે ૫૭.૯૧ રૂપિયા છે.પેટ્રોલ ડીલર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ રવિ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ભાવમાં ઘટાડાની શક્યતા હતી જ અને ૩૧ ડિસેમ્બરે જ્યારે ફરીથી ભાવની સમીક્ષા થશે ત્યારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારે ઘટાડો થશે.

ક્રૂડ તેલના ભાવ પાંચ વર્ષના તળિયે જતાં આટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઑગસ્ટ મહિનાથી પેટ્રોલ અને ઑક્ટોબરથી ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલમાં આઠ વાર કરાયેલા ઘટાડા બાદ લિટરદીઠ ૧૨.૨૭ રૂપિયા ઘટયા છે. દિલ્હીમાં ૪૪ મહિના બાદ પેટ્રોલનો ભાવ ૬૧.૩૩ રૂપિયા જોવા મળ્યો છે.ડીઝલમાં પણ ઑક્ટોબર મહિનાથી ચાર વાર ઘટાડા બાદ લિટરદીઠ ૮.૪૬ રૂપિયા ઘટયા છે. દિલ્હીમાં ડીઝલ હવે ૫૦.૫૧ રૂપિયે ઉપલબ્ધ થશે, જે જુલાઈ ૨૦૧૩ બાદ સૌથી ઓછો ભાવ છે.

પેટ્રોલના નવા દર


શહેર    જૂના ભાવ    નવા ભાવ     ઘટાડો


મુંબઈ    ૭૦.૭૩    ૬૮.૮૬    ૨.૦૮
દિલ્હી    ૬૩.૩૩    ૬૧.૩૩    ૨.૦૦
કલકત્તા    ૭૦.૭૩    ૬૮.૬૫    ૨.૦૮
ચેન્નઈ    ૬૬.૦૫    ૬૩.૯૪    ૨.૧૧