મોબાઇલ ઍપથી ટૅક્સી બુક કરવામાં જોખમ છે : પોલીસ

10 December, 2014 05:40 AM IST  | 

મોબાઇલ ઍપથી ટૅક્સી બુક કરવામાં જોખમ છે : પોલીસ


શશાંક રાવ

ટ્રાફિક-પોલીસ અને ટ્રાન્સર્પોટ ઑથોરિટીએ તો મોબાઇલ ઍપના માધ્યમથી પ્રાઇવેટ ટૅક્સી બુક ન કરવાની સલાહ પણ લોકોને આપી છે. પોલીસના આવા વલણથી ટૅક્સી-યુનિયનોને દોડવા માટે ઢાળ મળ્યો છે અને મુંબઈમાં પ્રાઇવેટ કૅબ સર્વિસ કંપનીઓને ૭૫૦૦ જેટલી ડેડ-પરમિટો આપવાને બદલે યલો ઍન્ડ બ્લૅક ટૅક્સીઓને આ પરમિટો આપવાની માગણી કરવામાં આવી હતી.

ગયા અઠવાડિયે દિલ્હીમાં કૅબ-રેપની આ ચોંકાવનારી ઘટના બાદ ગઈ કાલે મુંબઈમાં ટ્રાફિક-પોલીસ, ટૅક્સી-યુનિયન્સ અને ટ્રાન્સર્પોટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી એમાં ટ્રાફિક-પોલીસના જૉઇન્ટ કમિશનર ડૉ. બી. કે. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘મોબાઇલ ઍપ્સ દ્વારા ટૅક્સી બુક કરાવવાનું જોખમી અને અસુરક્ષિત છે. આવી ઍપ્સ દ્વારા ટૅક્સી-બુકિંગથી દૂર રહેવાની અમે લોકોને અપીલ કરવા માગીએ છીએ.’

રેડિયો ટૅક્સી અસોસિએશનના પ્રેસિડન્ટ કુણાલ લાલાણીએ કહ્યું હતું કે ‘તમામ ટૅક્સી-ઑપરેટરોએ એક કૉલ-સેન્ટર ઊભું કરવું જોઈએ અને તમામ ટૅક્સીમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ટ્રૅકિંગ હોવું જોઈએ. ડૅશર્બોડ પર ડ્રાઇવરની સઘળી માહિતી પૅસેન્જરને દેખાય એ રીતે હોવી જોઈએ. જોકે ઉબર અને ઓલા જેવી કંપનીઓએ સ્ટેટ ટ્રાન્સર્પોટ ઑથોરિટી પાસેથી કોઈ પણ પ્રકારના લાઇસન્સ વગર જ સર્વિસ સ્ટાર્ટ કરી દીધી છે.’