આઝાદ મેદાનમાં ક્રિકેટ દરમ્યાન વિકેટકીપરનું હાર્ટ-અટૅકને લીધે મોત

10 December, 2014 05:00 AM IST  | 

આઝાદ મેદાનમાં ક્રિકેટ દરમ્યાન વિકેટકીપરનું હાર્ટ-અટૅકને લીધે મોત


સદગુરૂ પંડિત

ઑસ્ટ્રેલિયાનો બૅટ્સમૅન ફિલિપ હ્યુઝ મેદાન પર બાઉન્સરનો ભોગ બન્યો એ ઘટના ક્રિકેટપ્રેમીઓના મનમાંથી ભૂંસાઈ નથી ત્યાં ગઈ કાલે મુંબઈના આઝાદ મેદાનમાં એક ક્રિકેટ-મૅચ દરમ્યાન ૨૮ વર્ષના યંગ ક્રિકેટર રત્નાકર મોરેનું હાર્ટ-અટૅકથી મોત થયાની ઘટના બની છે. રત્નાકર કામ કરતો હતો એ કંપનીએ યોજેલી ક્રિકેટ-ટુર્નામેન્ટની મૅચ દરમ્યાન મેદાન પર હાર્ટ-અટૅક આવી જતાં તે પડી ગયો હતો. તેને તરત જ નજીકની બૉમ્બે હૉસ્પિટલમાં પહોંચાડાયો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.  રત્નાકર તાતા એનર્જીની કર્ણાક બંદરમાં આવેલી ઑફિસનો કર્મચારી હતો અને તેના પરિવારમાં પત્ની છે, જે હાલમાં પ્રેગ્નન્ટ છે.


આઝાદ મેદાનમાં કંપનીની ઍન્યુઅલ ક્રિકેટ-ટુર્નામેન્ટ ચાલી રહી હતી અને બપોરે એક વાગ્યે એ ઘટના બની હતી. મૅચની પહેલી ઇનિંગ્સ માંડ શરૂ થઈ હતી ત્યારે વિકેટકીપર રત્નાકરને ગભરામણ થતી હતી અને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. મેદાનમાં મૅચ વખતે હાજર રત્નાકરના મિત્રોમાંથી મોહન કામતે કહ્યું હતું કે ‘તે છાંયો મળે એ માટે નજીકના એક વૃક્ષ તરફ જતો હતો ત્યારે પડી ગયો હતો. તે ગરમી કે ડીહાઇડ્રેશનના કારણે બેહોશ થઈ ગયો હશે એવું માનીને અમે ત્યાં દોડી ગયા હતા, પરંતુ તે સાવ નિશ્ચતેન જણાતાં ગભરાઈને અમે ફોન કરીને ઍમ્બ્યુલન્સ બોલાવી હતી.’

બૉમ્બે હૉસ્પિટલમાં રત્નાકરને પહોંચાડાયો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો અને ત્યાંથી તેના મૃતદેહને ગોકુલદાસ તેજપાલ હૉસ્પિટલમાં પોસ્ટ-મૉર્ટમ માટે લઈ જવાયો હતો. પોસ્ટ-મૉર્ટમ સેન્ટર તરફથી વિશ્વકાંત દીઘેએ કહ્યું હતું કે રત્નાકરનું મોત હાર્ટ-અટૅકના કારણે થયું હતું. રત્નાકરના કઝિન ભાઈ વિશાલ માનેએ જણાવ્યું હતું કે રત્નાકરનાં મૅરેજ નવેમ્બર ૨૦૧૩માં થયાં હતાં. હાલમાં તેની પત્ની પાંચ મહિનાની પ્રેગ્નન્ટ છે. મોડી સાંજ સુધી તેના પેરન્ટ્સનો સંપર્ક થઈ શક્યો નહોતો.