લગેજનો ગજબ લોચો

04 December, 2014 04:03 AM IST  | 

લગેજનો ગજબ લોચો


સપના દેસાઈ

ઍરલાઇન્સની ભૂલને કારણે સ્પેશ્યલી ભુજના મોટી ખાખરમાં માતાજીના પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા મુંબઈના ૧૫થી ૨૦ લોકોને ભારે નિરાશ થવાનો વારો આવ્યો છે. ગઈ કાલથી શરૂ થયેલા ચાર દિવસના માતાજીના કાર્યક્રમમાં આ લોકો ગઈ કાલે સાંજે ઉદ્ઘાટનમાં પણ જોડાઈ શક્યા નહોતા અને હવે આજે સવારથી શરૂ થનારી માતાજીની પૂજામાં પણ આ લોકો સહભાગી થઈ શકવાના નથી. તેમના દાવા મુજબ તેમનું લગેજ ઍરલાઇન્સની ભૂલને કારણે મુંબઈમાં જ રહી ગયું અને એને કારણે ભગવાનના કામમાં બાધા આવી ગઈ છે.

પૂરા પરિવાર સાથે સ્પેશ્યલી માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં જોડાવા માટે ભુજ ગયેલા ચેમ્બુરના બિઝનેસમૅન અશોક છાડવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે ૨.૨૫ વાગ્યાની જેટ ઍરવેઝની મુંબઈથી ભુજની અમારી ફ્લાઇટ હતી. અમે તો સુખરૂપ ભુજ પહોંચી ગયા, પણ અમારો સામાન મુંબઈમાં જ રહી ગયો અને એની અમને છેક ભુજમાં ઍરપોર્ટ પર ઊતરીને અમારા સામાનની રાહ જોતા ઊભા હતા એના એક કલાક બાદ ખબર પડી હતી. મારી ફૅમિલીના પાંચેપાંચ સભ્યોના સામાનની બૅગો નહીં મળવાને કારણે અમે ગઈ કાલથી શરૂ થયેલા પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જોડાઈ શક્યા નથી.’

સ્પેશ્યલી માતાજીના પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે અમે અહીં સુધી આવ્યા અને એમાં જ અમે જોડાઈ નથી શક્યા એનું ભારોભાર દુખ થઈ રહ્યું છે એવું બોલતાં કચ્છી દેરાવાસી જૈન જ્ઞાતિના અશોકભાઈએ કહ્યું હતું કે ‘લગભગ ૩૦થી ૩૫ જણનું લગેજ ગઈ કાલે મુંબઈમાં જ રહી ગયું હોવાનું અમને ઍરર્પોટ પર જાણવા મળ્યું હતું. એમાંથી પંદરેક જણ અમારી સાથે જ મોટી ખાખરમાં મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં જોડાવાના હતા; જ્યારે બીજા લોકો ભુજ, રાપર વગેરે જવાના હતા. કપડાં, દાગીના, મંદિરનો સામાન, માતાજી માટે ચૂંદડી, કોઈના મહત્વના ડૉક્યુમેન્ટ્સ જેવો બધો જ સામાન લગેજમાં છે. અમે ગઈ કાલથી પહેરેલાં કપડાં સાથે અમારા સામાનની રાહ જોતાં બેઠા છીએ અને આજે જ્યાં સુધી અમને અમારો સામાન નહીં મળે ત્યાં સુધી મંદિરની કોઈ પૂજામાં અમારાથી ભાગ લેવાશે નહીં.’

ભગવાનના કામમાં બાધા આવી ગઈ એવું બોલતાં અશોકભાઈએ કહ્યું હતું કે ‘ગઈ કાલે ઍરર્પોટ પર અમને કહેવામાં આવ્યું હતું કે સામાન તેમની બીજી ફ્લાઇટમાં રાજકોટ જશે અને ત્યાંથી પછી બાય રોડ આજે બપોર સુધી કચ્છ પહોંચશે. ત્યાં સુધી અમે કંઈ જ નહીં કરી શકીએ. મંદિરના કાર્યક્રમમાં ભાગ લેવા માટે એક મ્યુઝિક-ગ્રુપ પણ આ ફ્લાઇટમાં હતું. તેમનાં તો તમામ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મુંબઈમાં જ રહી ગયાં એટલે એ લોકો ગઈ કાલે રાતે કોઈ પર્ફોર્મન્સ નહોતા આપી શક્યા.’

આ બાબતે જેટ ઍરવેઝનો કૉન્ટૅક્ટ કરવામાં આવ્યો હતો ત્યારે તેમના સ્પોક્સપર્સન રત્નદીપ તરફથી પહેલાં તો કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો અને સાંજે મોડેથી તમે લોકો ફોન શું કામ કરો છો એવો સામે સવાલ કરવામાં આવ્યો હતો. બાદમાં ‘મિડ-ડે’એ તેમને ઈ-મેઇલની સાથે જ મોબાઇલ પર મેસેજ કર્યો હતો ત્યારે જવાબ આપવા માટે તેમણે એક દિવસનો સમય આપો એવું કહ્યું હતું.