આ તે કેવી બાબુશાહી?

04 December, 2014 04:00 AM IST  | 

આ તે કેવી બાબુશાહી?



મુંબઈ સુધરાઈએ નાગરિકોને વિવિધ બિલો ભરવા માટે મોબાઇલ-ઍપ્લિકેશન લૉન્ચ કરી હતી, જેના દ્વારા કોઈ પણ નાગરિક પોતાનો સમય બચાવી શકે છે. તમારે વૉટર-બિલ ભરવું હોય તો સેકન્ડમાં ભરાઈ જાય, પરંતુ ભૂલેચૂકેય જો બાળકના બર્થ-સર્ટિફિકેટ જેવા કોઈ ડૉક્યુમેન્ટ્સમાં નાનકડી ભૂલ સુધારવી હોય તો સુધરાઈમાં વર્ષો સુધી ધક્કા ખાવા છતાં કામ ન પતે એવું બની શકે છે.

પાંચ વર્ષની મિસ્બા સૈયદનો કેસ આવો જ છે.સુધરાઈએ ઇશ્યુ કરેલા બર્થ-સર્ટિફિકેટ પ્રમાણે પાંચ વર્ષની મિસ્બા સૈયદ છોકરી નહીં, મિસ્ભા સૈયદ નામનો છોકરો છે અને તેના પેરન્ટ્સ દીકરીના સ્પેલિંગની ભૂલ સુધારવા અને જેન્ડરના ખાનામાં છોકરામાંથી છોકરી લખાવવા ૨૦૧૦થી પ્રયાસ કરી રહ્યા છે. ચાર વર્ષમાં આ પેરન્ટ્સ આ બે ભૂલો સુધરાવવા માટે સુધરાઈની વૉર્ડ-ઑફિસ અને અન્યત્ર કેટલાય ધક્કા ખાઈ ચૂક્યા છે, પરંતુ તેમને સફળતા નથી મળી. સુધરાઈની આવી કામગીરીથી ગળે આવી ગયેલા અને ટેલરનું કામ કરતા મિસ્બાના પપ્પા અકબર સૈયદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જો જાન્યુઆરી સુધીમાં મારી દીકરીના બર્થ-સર્ટિફિકેટમાં જરૂરી સુધારા નહીં થાય તો આવતા વર્ષથી તે કદાચ સ્ટડી નહીં કરી શકે.

ખારમાં સંયુક્ત પરિવારમાં રહેતા અકબર અને રિઝવાનાની દીકરી મિસ્બાનો જન્મ જુલાઈ ૨૦૦૯માં સાયન હૉસ્પિટલમાં થયો હતો અને ડિસ્ચાર્જ-કાર્ડમાં હૉસ્પિટલે સ્પષ્ટ લખ્યું હતું કે રિઝવાનાને દીકરી જન્મી છે. જોકે ૨૦૧૦માં સુધરાઈની વૉર્ડ-ઑફિસે ઇશ્યુ કરેલા બર્થ-સર્ટિફિકેટમાં મિસ્બાના સ્પેલિંગ અને જેન્ડર લખવામાં ભૂલ કરી હતી. કોઈ પણ વૉર્ડ-ઑફિસમાં સામાન્ય રીતે ૧૦ દિવસ લાગે એવી આ ભૂલ સુધરાઈએ ૪ વર્ષે પણ  સુધારી નથી. અકબર રહે છે એ એરિયાની વૉર્ડ-ઑફિસ સાંતાક્રુઝમાં છે અને તેને હૉસ્પિટલમાંથી કેટલાક ડૉક્યુમેન્ટ્સ લાવવાનું કહેવાયું હતું. આ પરિવારની છએક મહિનાની દોડધામ બાદ તેને આ ડૉક્યુમેન્ટ્સ મળ્યા તો કહેવાયું કે રેકૉર્ડ્સ ચેક કરવા પડશે.

ત્યાર બાદ લગભગ દર પખવાડિયે સૈયદ ફૅમિલીના કોઈ ને કોઈ મેમ્બરે ૨૦૧૦માં વૉર્ડ-ઑફિસમાં ધક્કા ખાધા હતા, પરંતુ ઑફિસરો એક જ જવાબ આપતા હતા કે રેકૉર્ડ ચેક કરવાના બાકી છે. આખરે એમ કહેવાયું કે મિસ્બાના બર્થ-સર્ટિફિકેટનો કોઈ રેકૉર્ડ આ વૉર્ડ-ઑફિસમાં નથી, કદાચ સાયન હૉસ્પિટલ નજીક માટુંગાની વૉર્ડ-ઑફિસમાંથી આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હશે. ૨૦૧૧થી તેઓ માટુંગાની વૉર્ડ-ઑફિસમાં ધક્કા ખાય છે, પરંતુ કોઈ યોગ્ય પ્રતિસાદ મળતો નથી. ૨૦૧૨માં બર્થ-સર્ટિફિકેટ મેળવવા નવેસરથી ઍપ્લિકેશન કરી તોય કંઈ થયું નથી. દીકરીના સ્ટડીનો પ્રશ્ન હોવાથી અકબર સોશ્યલ વર્કરો અને સ્થાનિક નેતાઓને પણ આનાથી વાકેફ કરી ચૂક્યો છે, પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. સુધરાઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અકબરની અરજીઓ પર ધ્યાન આપીને મહેનત કર્યા છતાં કોઈ રેકૉર્ડ્સ મળતા નથી. આમ છતાં પ્રયાસો ચાલી રહ્યા છે.